જમ્મુ અને કાશ્મીરમાં આજે G-20 પ્રવાસન કાર્યકારી જૂથની ત્રીજી બેઠક થઈ શરૂ
Live TV
-
જમ્મુ અને કાશ્મીરમાં આજે ત્રીજી G-20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડી, પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, G-20ના શેરપા અમિતાભ કાંત અને અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં સંબોધનમાં કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે ભારત સરકાર પ્રવાસન ક્ષેત્રના ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે તમામ G-20 દેશો અને અન્ય હિતધારકો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે આશા વ્યક્ત કરી કે વેપાર અને પર્યટનના પ્રતિનિધિઓ અને હિતધારકોના સંયુક્ત પ્રયાસોથી સમાવેશી અને કાર્યલક્ષી પ્રગતિ થશે. વધુમાં જણાવ્યું હતું કે, G-20માં ભાગ લેનારા પ્રતિનિધિઓએ ગ્રીન ટુરિઝમ, કૌશલ્ય, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, ડિજિટાઈઝેશન અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટના પાંચ પ્રાથમિકતા મુદ્દાઓને સમર્થન આપ્યું હતું.
તો ડૉ. જિતેન્દ્ર સિંહે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, પર્યટનના પરંપરાગત સ્વરૂપો ઉપરાંત, કાશ્મીરમાં વિજ્ઞાન અને કૃષિ પર્યટનમાં મોટી સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા તમામ મોરચે સહાય પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આ કાર્યક્રમને સંબોધતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પ્રતિનિધિઓનું સ્વાગત કરતા કહ્યું હતું કે, તેઓ આ તકનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરને વિશ્વને આમંત્રિત કરીને તેમની યજમાની કરવા માટે કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર છેલ્લા 30 વર્ષથી આતંકવાદથી પીડિત છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આતંકવાદી નેટવર્કનો ખાત્મો કર્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસનનો વિકાસ એ ભારતની બહુ-ધાર્મિક અને બહુ-સાંસ્કૃતિક ભાવનાઓનું પણ પ્રતિબિંબ છે.વધુમાં તેમણે કહ્યું કે ગયા વર્ષે પ્રવાસન ક્ષેત્રે જમ્મુ અને કાશ્મીરના કુલ સ્થાનિક ઉત્પાદનમાં સાત ટકાનું યોગદાન આપ્યું હતું. જમ્મુ અને કાશ્મીર પ્રશાસન અને ભારત સરકાર કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવાસન માળખાના વિકાસ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસન અને ભારત સરકાર પણ આ ક્ષેત્રમાં નવી સંભાવનાઓ અને નવા પ્રવાસન સ્થળો ખોલવાની યોજના બનાવી રહી છે.
