જસ્ટિસ બી.આર.ગવઈ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે
Live TV
-
જસ્ટિસ બી.આર. ગવઈ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. આ પદ પર પહોંચનારા તેઓ પ્રથમ બૌદ્ધ ન્યાયાધીશ હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને શપથ લેવડાવશે. તેઓ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ હવે પૂરો થઈ રહ્યો છે. ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૨૪(૨) હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા આ નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી, જેના પગલે કાયદા અને ન્યાય મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જસ્ટિસ ગવઈને 24 મે 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે.
છેલ્લા છ વર્ષોમાં, જસ્ટિસ ગવઈ લગભગ 700 બેન્ચનો ભાગ રહ્યા છે અને બંધારણીય, વહીવટી, નાગરિક, ફોજદારી, વાણિજ્યિક વિવાદો, મધ્યસ્થી, સત્તા, શિક્ષણ અને પર્યાવરણીય કાયદા જેવા વિવિધ ક્ષેત્રોમાં કેસોની સુનાવણી કરી છે. તેમણે લગભગ 300 નિર્ણયો લખ્યા છે, જેમાં બંધારણીય બેન્ચના મહત્વપૂર્ણ નિર્ણયોનો સમાવેશ થાય છે. તેમના નિર્ણયોમાં કાયદાના શાસન અને મૂળભૂત, માનવ અને કાનૂની અધિકારોના રક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી છે.
જસ્ટિસ ગવઈને ૧૨ નવેમ્બર ૨૦૦૫ના રોજ બોમ્બે હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન, મુંબઈ ખાતે મુખ્ય બેન્ચ ઉપરાંત, તેમણે નાગપુર, ઔરંગાબાદ અને પણજી બેન્ચમાં પણ મહત્વપૂર્ણ ન્યાયિક કાર્ય કર્યું હતું. તેમની નિમણૂક ભારતની ન્યાયિક પ્રણાલીમાં વિવિધતા અને સમાવેશકતાને પણ પ્રતિબિંબિત કરે છે, અને તેને ન્યાયતંત્રમાં પ્રતિનિધિત્વ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.