જુના આવાસોના રિ-ડેવલપમેન્ટને વેગ આપવા CM દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હક્ક અને દસ્તાવેજના થતા પ્રશ્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારના મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બનાવવામાં આવેલા મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અન અધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ સુધારા થવાના પરિણામે મકાન ધારકોને મોટી રાહત મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત હાઉસિંગ બોર્ડના મકાનોમાં ટ્રાન્સફર ફીના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીના આધારે દરેક ટ્રાન્સફર દીઠ લેવાતી ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે.
આ વન ટાઈમ ફીનું ધોરણ EWS માટે રૂ.2 હજાર, LIG માટે રૂ.10 હજાર, MIG માટે રૂ.14 હજાર અને HIG માટે રૂ.20 હજાર સૂચવવામાં આવ્યું છે.
ફ્લેટ પ્રકારના મકાનો માટે અનઅધિકૃત બાંધકામની વપરાશ ફી હાલ જંત્રીના દરે વસૂલવામાં આવે છે. આના પરિણામ સ્વરૂપે મકાન ધારકો તે ફી ભરી શકતા ન હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ઉદાર અભિગમ અપનાવીને એવું નક્કી કર્યું છે કે, જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે. એટલે કે, 25 ચોરસ મીટર સુધીના અનઅધિકૃત બાંધકામ વપરાશની ફી હવે જંત્રી દરને બદલે EWSમાં રૂ.10 હજાર, LIGમાં રૂ.20 હજાર, MIGમાં રૂ.30 હજાર અને HIGમાં રૂ.60 હજાર પ્રમાણે લેવાશે.
આ ઉપરાંત 25 ચોરસ મીટર કરતાં વધારે અનઅધિકૃત બાંધકામ વપરાશની ફી પણ જંત્રી દરને બદલે EWSમાં રૂ.20 હજાર, LIGમાં રૂ.40 હજાર, MIGમાં રૂ. 60 હજાર અને HIGમાં રૂ.1 લાખ 20 હજાર પ્રમાણે નિયત કરી દેવાશે.
મુખ્યમંત્રીએ ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓમાં ભાડા ખરીદ સમય પૂરો થાય કે મકાનની 100 ટકા રકમ ભરપાઈ કર્યા બાદ વિલંબથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ પેટે પ્રતિ વર્ષે રૂ.1 હજારના સ્થાને વન ટાઈમ વસુલાત EWS માટે રૂ.2 હજાર, LIG માટે રૂ.4 હજાર, MIG માટે રૂ.6 હજાર અને HIG માટે રૂ.10 હજાર કરવાનો નિર્ણય પણ કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ ધારકોના વિશાળ હિતમાં તેમને આર્થિક રાહત સાથે ફી ભરવામાં સરળતા આપતા આ નિર્ણયો કર્યા છે. આવા જન હિતકારી નિર્ણયને કારણે જુના અને જર્જરીત મકાનોના રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયા સુગમ અને ઝડપથી થવાને કારણે ઈઝ ઓફ લિવિંગ વધશે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમાર, હાઉસિંગ કમિશનર સંદીપ વસાવા તેમજ સચિવ આર.જી.ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.