દર વર્ષે 24 માર્ચના દિવસને 'વિશ્વ ક્ષય દિવસ' તરીકે મનાવવામાં આવે છે
Live TV
-
ઈ.સ. 1882ના વર્ષમાં 24 માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા
ઈ.સ. 1882ના વર્ષમાં 24 માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી દર વર્ષે 24 માર્ચના દિવસને 'વિશ્વ ક્ષય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
ક્ષયનો રોગ બીડી, સિગારેટ, તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે. આ રોગે આખા વિશ્વને લપેટમાં લીધું હતું. ઈ.સ. 2018માં આશરે 1 કરોડ લોકોને ક્ષયનો ચેપ લાગ્યો હતો અને તેમાંથી 15 લાખ લોકોના મૃત્યુ થયા હતા, જેમાંથી મોટાભાગના લોકો વિકાશશીલ દેશોમાંથી હતા. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને આ રોગથી બચાવવા માટે ક્ષયથી પીડાતા રોગીઓને શોધી કાઢી તેમને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે, જે અંર્તગત નિદાન, સારવાર અને ત્યારપછી સમયાંતરે તપાસ થાય તેવી યોજના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ઘડવામાં આવી છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યમાં પણ અલગ હોસ્પિટલો, મફત સારવાર તેમ જ સ્વતંત્ર ક્ષય નિયંત્રણ બોર્ડ બનાવવું જેવાં પગલાં લઈ આ રોગને નાથવા કમર કસી છે. ક્ષય રોગને રાજ રોગ પણ કહેવાય છે, જેમાં દર્દીની સારવાર કરનારે પણ ખૂબ સાવચેતી રાખવી પડે છે, નહીંતર તેને પણ આ રોગ થઈ શકે છે.
ક્ષય રોગની સારવારમાં બેક્ટેરિયાનો નાશ કરવા માટે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. માયકોબેક્ટેરિયલ કોશિકા થરનું અસામાન્ય માળખા અને રસાયણિક બંધારણને કારણે અસરકારક ક્ષય રોગની સારવાર મુશ્કેલ છે કારણકે આવી કોશિકા દિવલા ઘણા એન્ટિબાયોટિક્સને બિનઅસરકારક બનાવી દે છે અને દવાઓના પ્રવેશમાં અવરોધ ઉભો કરે છે. ક્ષય રોગની સારવારમાં વ્યાપકપણે વપરાતા બે એન્ટિબાયોટિક્સમાં રિફામ્પિસિન અને આઇસોનિયાઝિડનો સમાવેશ થાય છે. જો કે, અન્ય બેક્ટેરિયલ ચેપના ઉપચાર માટે એન્ટિબાયોટિકનો ટૂંકા ગાળા માટે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ક્ષય રોગની સારવામાં શરીરમાંથી માયકોબેક્ટેરિયાને સંપૂર્ણપણે દૂર કરવા માટે લાંબા ગાળાની (લગભગ 6થી 24 મહિનાની) સારવાર આપવી પડે છે. સુપ્ત ટીબીની સારવારમાં સામાન્ય રીતે એક જ એન્ટિબાયોટિકનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સક્રિય ક્ષય રોગની શ્રેષ્ઠ સારવારમાં બેક્ટેરિયામાં એન્ટિબાયોટિક સામે પ્રતિકારક શક્તિ વિકસાવવાનું જોખમ ઘટાડવા કેટલાક એન્ટિબાયોટિક્સના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. સુપ્ત ચેપ ધરાવતા લોકોને જીવનના પાછળના તબક્કે સક્રિય ક્ષય રોગ ના થાય તે માટે સારવાર આપવામાં આવે છે.
દવા પ્રતિકારક ટ્યુબરક્યુલોસિસ સામાન્ય ક્ષય રોગની જેમ જ ફેલાય છે. જે લોકોને ક્ષય રોગના રેઝિસ્ટન્ટ સ્ટ્રેઈનથી ચેપ લાગ્યો છે તેમનામાં પ્રાથમિક પ્રતિકારક વિકસે છે. સંપૂર્ણપણે શંકાસ્પદ ક્ષય રોગ દર્દી ક્ષય રોગની થેરાપી દરમિયાન બીજા સ્તરની પ્રતિકારક શક્તિ વિકસાવે છે. દર્દીએ યોગ્ય સારવાર લીધી ના હોય, દવાઓને યોગ્ય રીતે લીધી ના હોય અથવા હલકી ગુણવત્તાવાળી દવાઓ લીધી હોય તો આમ થાય છે. ઘણા વિકાસશીલ દેશોમાં ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી જાહેર આરોગ્યની સમસ્યા છે કારણકે તેની સારવાર માટે લાંબો સમય જોઇએ છે અને તેની દવાઓ ઘણી મોંઘી હોય છે. મલ્ટિ-ડ્રગ-રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (MDR-TB)માં બેક્ટેરિયા સૌથી અસરકારક પ્રથમ હરોળના બે એન્ટિબાયોટિક રિફામ્પિસિન અને આઈસોનિયાઝિડ સામે પ્રતિકારક શક્તિ હાંસલ કરી લે છે. એક્સટેન્સિવ ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી (XDR-TB) પણ બીજી હરોળની ત્રણથી છ વર્ગની દવાઓ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. ક્ષય રોગની સારવાર માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભલામણ કરાતા ડોટ્સ (ડાયરેક્ટ ઓબ્ઝર્વ્ડ ટ્રીટમેન્ટ શોર્ટ-કોર્સ) ભારતના ચેન્નાઇ સ્થિત ટ્યુબરક્યુલોસિસ રિસર્ચ સેન્ટર દ્વારા 1970માં હાથ ધરાયેલા તબીબી પરિક્ષણને આધારિત છે. ક્ષય રોગનો દર્દી ક્યા દેશમાં રહે છે તેના આધારે તેની સારવાર પદ્ધતિ નક્કી થાય છે. કારણકે મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ પ્રથમ હરોળની તમામ દવાઓ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે આવી સ્થિતિમાં દર્દીને સાજો કરવા માટે વૈકલ્પિક સારવાર પદ્ધતિ કે જેને ઘણીવાર સેકન્ડ-લાઇન એન્ટિટ્યુબરક્યુલોસિસ મેડિકેશન કહેવાય છે તેનો ઉપયોગ કરવો જરૂરી બને છે. જો કે આવી ઉપચાર પદ્ધતિનો ખર્ચ ઘણો ઊંચો છે, આમ વિકાસશીલ દેશોમાં ગરીબ લોકો આવી સારવારનો નહીવત અથવા મર્યાદિત ઉપયોગ ધરાવે છે.
આજે 'વિશ્વ ક્ષય દિવસ'ના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે ક્ષય રોગ સામેની લડાઈમાં સામૂહિક જાગૃતિ ફેલાવી અને નિદાન અને સારવારમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાખો લોકોના જીવ બચાવ્યા છે.
