દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત
Live TV
-
દિલ્હીના શાહદરા જિલ્લાના વિવેક વિહાર વિસ્તારમાં રવિવારે(3 મે) વહેલી સવારે એક બહુમાળી રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં અનેક માળ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે.
માહિતી મુજબ, આ આગ વિવેક વિહાર ફેઝ-1 ના એક બહુમાળી મકાનમાં લાગી હતી. ફાયર કંટ્રોલ રૂમને આ અકસ્માતની જાણ વહેલી સવારે 3:48 વાગ્યે મળી હતી, ત્યારબાદ તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. સ્થળ પર પહોંચ્યા પછી ખબર પડી કે બિલ્ડિંગના બીજા, ત્રીજા અને ચોથા માળે આગ લાગેલી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની અંદાજે 12 થી 14 ગાડીઓ કામ પર લગાડવામાં આવી હતી. ફાયર બ્રિગેડ, પોલીસ, ક્રાઈમ ટીમ, ટ્રાફિક પોલીસ અને DDMAની ટીમે મળીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
અંદાજે બે કલાકની ભારે જહેમત બાદ સવારે 6:25 વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ ત્યારબાદ પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું, ખાસ કરીને ઉપરના માળ પર, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે કોઈ અંદર ફસાયેલું તો નથી ને.
શાહદરાના ડીસીપી (DCP) રાજેન્દ્ર પ્રસાદ મીણાએ જણાવ્યું કે સવારે લગભગ 4 વાગ્યે આગનો કોલ મળ્યો હતો અને તરત જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવવામાં લગભગ બે કલાક લાગ્યા હતા, જે પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બચાવ કામગીરી દરમિયાન અંદાજે 10 થી 15 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આમાંથી બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેમને સારવાર માટે ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યારે અન્ય કેટલાક ઇજાગ્રસ્તોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આગમાં કુલ નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સંખ્યા હજુ વધી શકે છે, કારણ કે અત્યારે સર્ચ ઓપરેશન સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આગ એટલી ભયાનક હતી કે લોકોને સંભાળવાની તક જ મળી નહોતી. અનેક લોકો પોતાનો જીવ બચાવવા માટે બહારની તરફ દોડ્યા હતા, જ્યારે કેટલાક લોકો અંદર જ ફસાઈ ગયા હતા. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસ અને તપાસ એજન્સીઓ દરેક પાસાઓથી મામલાની તપાસ કરી રહી છે.
