દિલ્હી હાઈકોર્ટ આજે અરવિંદ કેજરીવાલના જામીન મુદ્દે સંભળાવશે ચુકાદો
Live TV
-
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટ્રાયલ કોર્ટે જામીન આપેલા જેની સામે EDએ સ્ટે માગતી અરજી દિલ્હી હાઈકોર્ટ સમક્ષ દાખલ કરી હતી. દિલ્હી હાઈકોર્ટ આજે આ અરજી પર સુનાવણી કરી તેનો ચુકાદો સંભળાવશે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શરાબ ગોટાળા સહિતના મામલે એન્ફોર્સમેન્ડ ડિરેક્ટોરેટ એટલે કે EDની ઝપટે ચઢેલા. પૂછપરછ બાદ કેજરીવાલને જેલહવાલે કરાયેલા. લોકસભા ચૂંટણી પહેલા કેજરીવાલને જેલમાં મોકલવામાં આવેલા. જોકે હવે ચૂંટણી બાદ ફરી કેજરીવાલે જામીન માટે અરજી કરેલી જેને ટ્રાયલ કોર્ટે મંજૂર કરી હતી. પરંતુ ટ્રાયલ કોર્ટના આ નિર્ણય સામે ઈડીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી ઈડીની આ અરજી પર દિલ્હી હાઈકોર્ટ આજે તેનો ચુકાદો સંભળાવશે.
EDએ ટ્રાયલ કોર્ટના ચુકાદાને ખોટો ગણાવતા હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરેલી કે ટ્રાયલ કોર્ટનો નિર્ણય ખોટો છે. ટ્રાયલ કોર્ટે EDની દલીલો અને તેણે આપેલા પુરાવાઓ પર પુરતુ ધ્યાન આપ્યા વગર ચુકાદો આપી દીધો છે અને માટે આ ચુકાદો કાયદા મુજબનો ગણી ન શકાય. EDએ તેની દલીલમાં જણાવ્યુ છે કે ટ્રાયલ કોર્ટે વર્ષ 2023માં કેજરીવાલ વિરુદ્ધ એકત્રિત કરાયેલા પુરાવાઓને પણ ધ્યાને લીધા નથી. ટ્રાયલ કોર્ટે 13 આંગડીયા, ગોવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના અધિકારીઓના નિવેદનોની અવગણના કરીને જામીન મંજૂર કરી નાખ્યા છે. સાથે જ EDને ટ્રાયલ કોર્ટે સુનાવણી દરમિયાન જામીનનો વિરોધ કરવાની પુરતી તક પણ આપી નહતી. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ અગાઉ 21 જૂને તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.
