દુબઇથી તેલ અવીવ જઇ રહેલા ફ્લાઇટમાં કો- પાઇલટનો કેપ્ટન પર હુમલો
Live TV
-
દુબઇથી તેલ અવીવ જઇ રહેલા ફ્લાઇટમાં કો- પાઇલટનો કેપ્ટન પર હુમલો
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં એક ભયાનક અને રોમાંચક ઘટના સામે આવી છે, જ્યાં મધરાતે હવામાં ઉડતા વિમાનમાં કો-પાયલોટે મુખ્ય પાઇલટ (કેપ્ટન) પર છરી વડે હુમલો કર્યો હતો. આ ગંભીર કટોકટી અને લોહીથી લથપથ હોવા છતાં, ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છારે અદ્ભુત સાહસ અને સૂઝબૂઝ દાખવીને વિમાનમાં સવાર 179 મુસાફરોના જીવ બચાવી લીધા હતા અને વિમાનનું સાઉદી અરેબિયામાં સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, ફ્લાઇટ જ્યારે હવામાં હતી ત્યારે કો-પાયલોટે અચાનક કોકપિટમાં મુખ્ય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે વિમાન બે મિનિટથી ઓછા સમયમાં અચાનક લગભગ 17,400 ફૂટ નીચે જતું રહ્યું હતું.
જોકે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીથી લથપથ હોવા છતાં, કેપ્ટન સ્મિત મચ્છારે યાત્રીઓની સુરક્ષાને સર્વોપરી રાખીને હિંમત હારી નહીં. તેમણે તાત્કાલિક કોકપિટનો દરવાજો ખોલ્યો, જેના પરિણામે અન્ય ક્રૂ મેમ્બર્સ અને સતર્ક મુસાફરોએ સમયસૂચકતા વાપરીને હુમલાખોર કો-પાયલોટને ઝડપી લીધો હતો અને કાબૂમાં કર્યો હતો.
સાઉદી અરેબિયામાં સુરક્ષિત લેન્ડિંગ
આ જોખમી પરિસ્થિતિને સંભાળતા કેપ્ટન સ્મિતે ઉત્તરપશ્ચિમ સાઉદી અરેબિયાના તાબુક પ્રાદેશિક એરપોર્ટ પર બોઇંગ વિમાનને હેમખેમ ઉતારી લીધું હતું. આ હુમલાના પ્રયાસમાં સંડોવાયેલા કો-પાયલોટની ધરપકડ કરવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓ આ મામલે સઘન તપાસ કરી રહી છે.
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છારને ગણાવ્યા 'હીરો'
રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તેઓ કેપ્ટન સ્મિતના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે અને હાલ તેમની તબિયત સ્થિર છે. આ અસાધારણ બહાદુરી અને વ્યાવસાયિક કુશળતા બદલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પાઇલટ સ્મિત મચ્છારની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેપ્ટન સ્મિત મચ્છારને 'હીરો' ગણાવ્યા છે અને તેમના ઝડપથી સાજા થવાની કામના કરી છે.
