દેશભરમાં ચોમાસાનો પ્રારંભ: દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદ
Live TV
-
દેશભરમાં ચોમાસાનો પ્રારંભ: દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદ, માછીમારોને દરિયાકિનારે ન જવાની ચેતવણી
દેશભરમાં ચોમાસાએ ધમાકેદાર પ્રવેશ કર્યો છે, અને દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે વિવિધ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આજથી, 22મી જૂનથી 26મી જૂન દરમિયાન દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જ્યારે 22મી જૂનથી 27મી જૂન સુધી બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજસ્થાનમાં 22મી અને 23મી જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પશ્ચિમ ભારતમાં પણ વરસાદનો જોર રહેશે, જેમાં કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં 22મી જૂનથી 27મી જૂન સુધી ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે માછીમારોને ખાસ ચેતવણી આપી છે. ગુજરાતના દરિયાકાંઠે તેમજ સમગ્ર કોંકણ કિનારે, સોમાલિયા અને નજીકના દરિયાઈ વિસ્તારોમાં માછીમારી માટે ન જવા સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયામાં ભારે પવન અને ઉંચા મોજાની શક્યતા છે. આ ચેતવણીથી માછીમારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હેતુ છે.
