દેશમાં લૉકડાઉન લાગુ કરાયાને એક મહિનો, કોરોનાના સંક્રમણની ગતિ ઘટાડવામાં મળી સફળતા
Live TV
-
અત્યાર સુધીમાં પાંચ લાખ ટેસ્ટિંગ થઈ ચૂકયા છે
કોરોના વાઇરસનો સામનો કરવા સરકાર દ્વારા દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનને આજે એક મહિનો પૂરો થયો છે. ત્યારે સરકારે કહ્યું છે કે, લોકડાઉનના કારણે કોરોના વાઇરસના સંક્રમણની ગતિને ઘટાડવામાં સફળતા મળી છે. કેન્દ્ર સરકાર દ્વારા રચિત બીજા એમ્પાવર ગ્રૂપના ચેરમેન ડૉ. સી. કે. શર્માએ જણાવ્યુ હતું કે, લોકડાઉનના 30 દિવસ દરમિયાન સરકાર કોરોના વાઇરસને ફેલાવાને અટકાવવામાં સફળ રહી છે. સરકારના પરિક્ષણમાં સતત તેજી આવી છે. અત્યાર સુધીમાં પાંચ લાખ ટેસ્ટિંગ થઈ ચૂકયા છે.
તો એઇમ્સના નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા જણાવ્યુ હતું કે, તેઓ આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે જે અધ્યાદેશ લાવ્યા છે તેમાં કડક દંડની જોગવાઈ કરાઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે, દેશમાં 12 જિલ્લા એવા છે કે, જ્યાં છેલ્લા 28 દિવસમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. જ્યારે 23 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના 78 જિલ્લા એવા છે કે, જ્યાં છેલ્લા 14 દિવસમાં એક પણ કેસ નોંધાયો નથી. ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, વરિષ્ઠ નાગરિકો માટે ઇન હાઉસ કેર, ડ્રાઈવર, મોબાઈલ રિચાર્જ, યુટિલિટીઝ અને ફૂડ પ્રોસેસ સંલગ્ન યુનિટ અને કૃષિ સાથે જોડાયેલી અનેક સેવાઓને લોકડાઉન પ્રતિબંધમાંથી છૂટ મળેલી છે.
