નવી આધુનિક ખેતી પદ્ધતિ તરફ પ્રયાણઃ પ્રધાનમંત્રીએ 100 ખેડૂત ડ્રોનનો શુભારંભ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વિશેષ અભિયાન અંતર્ગત દેશના 100 ખેડૂત ડ્રોનનો શુભારંભ કર્યો હતો. પ્રધાનમંત્રીએ એક વર્ચ્યુઅલ રીતે દેશના વિવિધ શહેરો અને ગામડાઓમાં આ 100 ખેડૂત ડ્રોન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ ડ્રોનનો ઉપયોગ ખેડૂતો પોતાના ખેતરમાં દવાઓના છંટકાવ કરવા માટે કરી શકશે. આ ડ્રોન સેવાથી ખેડૂત પ્રધાન દેશની નવી આધુનિક ખેતી પદ્ધતિ તરફના પ્રયાણની શરુઆત થઈ છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ખેડૂતોને સંબોધિત કર્યા હતા. તેમણે સંબોધનમાં જણાવ્યુ હતુ કે, ડ્રોન ટેક્નોલોજીથી જંતુનાશક દવાઓનો છંટકાવ અને અન્ય ખેડૂત ઉપયોગી કામ થઇ શકશે. તેમણે ઉમેર્યુ હતુ કે, પહેલાં ડ્રોનના નામથી લાગતુ હતું કે આ આર્મી સાથે સંબંધિત કોઇ વ્યવસ્થા છે અથવા દુશ્મનોનો સામનો કરવાના ઉપયોગમાં કામ આવનાર વસ્તુ છે. પણ હવે આ 21મી સદીની આધુનિક કૃષિ વ્યવસ્થાની દિશામાં એક નવો અધ્યાય છે. ડ્રોન દ્વારા દવાઓનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. તો મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલ લોકો પણ આ ડ્રોનના ઉપયોગથી તાજી માછલીઓ બજારમાં મોકલી શકે છે. આ ડ્રોનના ઉત્પાદનથી ડ્રોન ઉત્પાદન કરનારી કંપનીઓ નવા રોજગાર પણ ઉભી કરી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022-23ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે એક મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત મુજબ વર્ષ 2022-23માં કેન્દ્ર સરકાર દેશભરમાં ખેડૂતોને ડિજીટલ અને ઉચ્ચ તકનીકી સેવાઓના વિતર્ણ માટે કિસાન ડ્રોન, રાસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. કીટનાશક દવાઓ અને પોષક તત્વોના છંટકાવ માટે કિસાન ડ્રોનને પણ પ્રોત્સાહન આપવા તરફ કામ કરવામાં આવશે.
