પટના એઈમ્સમાં બાળકો માટે કો-વેક્સિન રસીનું ક્લિનીકલ ટ્રાયલ શરૂ
Live TV
-
કોરોના સામેની જંગ માટે ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે પટના એઈમ્સમાં આજથી બાળકો માટે કોવેક્સિન રસીનું ક્લિનીકલ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. 15 બાળકો કે જેમણે સ્વેચ્છાએ રસીનાં ક્લિનિકલ ટ્રાયલ માટે સહમતિ દર્શાવી છે એ તમામ બાળકોનો આર.ટી.-પી.સી.આર., એન્ટિબોડી ટેસ્ટ અને સામાન્ય ચકાસણી કરવામાં આવી હતી. ત્રણ બાળકો સ્ક્રીનીંગ બાદ રસીના ટ્રાયલ માટે યોગ્ય જણાઈ આવ્યા હતા. પટના એઈમ્સમાં કોવિડના નોડલ ઇન્ચાર્જ ડૉ.સંજીવ કુમારે કહ્યું કે, જે બાળકોને રસીનો પહેલો ડોઝ મળ્યો તે 12 થી 18 વર્ષની વય જૂથનાં છે. ઇન્ટ્રામસ્ક્યુલર ઇંજેક્શનનો 0.5.ML ડોઝ આપવામાં આવ્યો હતો. ડોઝ આપ્યા બાદ બાળકોને બે કલાક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. રસીની બીજી માત્રા ચાર અઠવાડિયા પછી આપવામાં આવશે.
દેશમાં વેક્સિનની ઉણપના મીડિયા રિપોર્ટનું ખંડન કરતાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, મે મહિનામાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 6 કરોડ 10 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 22 કરોડથી વધુ વેક્સિનનો ડોઝ અપાઇ ચુક્યો છે. 18 થી 44 વર્ષના વયજૂથના 11 લાખ 30 હજારથી વધુ લાભાર્થીએ બુધવારે કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. અને અત્યાર સુધી આ વયજૂથના લોકોને 2 કરોડ 25 લાખથી વધુ ડોઝ અપાઇ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધી 22 કરોડથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે.
