પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગરથી બાંદ્રા વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો
Live TV
-
પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગરથી બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા પર "વિશેષ ટ્રેન" ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર ડિવિઝનના સિનીયર મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, 29મી ડિસેમ્બરે બપોરે બે વાગીને 50 મિનિટે ભાવનગરથી વિશેષ ટ્રેન ઉપડશે જે બીજા દિવસે સવારે સાડા છ વાગ્યે બાંદ્રા પહોંચશે. તેવી જ રીતે, બાંદ્રાથી 30મી ડિસેમ્બરે સવારે સાડા નવ વાગ્યે ટ્રેન ઉપડશે અને જે તે જ દિવસે રાત્રે 11 વાગ્યે ભાવનગર પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.
પશ્ચિમ રેલવે દ્વારા એકતરફ ભુજથી નલિયા સુધીના રેલવેમાર્ગને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે નલિયાથી વાયોર સુધીના 25 કિલોમીટર સુધી બ્રોડગેજ રેલવે માર્ગ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રાંત અધિકારીએ નલિયાથી વાયોર સુધી બ્રોડગેજ રેલવેમાર્ગ તૈયાર કરવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. રેલવે વિભાગે જમીન સંપાદન માટે નલિયાના પ્રાંત અધિકારીને સત્તા આપી છે. નલિયાથી વાયોર સુધીના રેલવે માર્ગ માટે અબડાસાના નલિયા, વાગોઠ, વાયોર સહિત 8 ગામમાં જમીનો સંપાદિત કરાશે. આ સિવાય પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વેરાવળ-સુરત સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે જે બંને દિશામાં માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, અમદવાદ અને વડોદરા સ્ટેશને ઉભી રહેશે.