પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ 3 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોનું પરિચાલન
Live TV
-
દેશભરમાં વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાના ભારતીય રેલ્વેના પ્રયત્નોને વેગ આપતા પશ્ચિમ રેલ્વે દ્વારા કોવિડ વિરુદ્ધ સંયુક્ત યુદ્ધ ને મજબૂત બનાવવા તથા કોવિડ દર્દીઓ અને તેમના પરિવારોને રાહત પ્રદાન કરવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ના પરિવહન માટે વધુ 03 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ પશ્ચિમ રેલ્વે દ્વારા 8 મે 2021 ના રોજ દિલ્હી પ્રદેશ તરફ વધુ 2 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી હતી. પ્રથમ ઓક્સિજન એક્સપ્રેસ ગુજરાતના હાપા થી 8 મે 2021 ના રોજ 04.45 વાગ્યે દિલ્હી કેન્ટ માટે રવાના થઈ, જેમાં 6 ટેન્કર દ્વારા 130 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું. તેવી જ રીતે, અન્ય એક ઓક્સિજન એક્સપ્રેસ ગુજરાતના હાપાથી એ જ દિવસે દિલ્હી કેન્ટ માટે 11.25 વાગ્યે રવાના થઈ, જેમાં 8 ટેન્કર દ્વારા 144 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું.
લિક્વિડ મેડિકલ ઓક્સિજનના સપ્લાય માટે મેસર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા ટેન્કર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ટ્રેનો 9 મે, 2021 ના રોજ સવારે 1105 કિમીનું અંતર કાપ્યા પછી દિલ્હી કેન્ટ પહોંચશે. આ ટેન્કર દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક અન્ય ઓક્સિજન એક્સપ્રેસ 7 મે 2021 ના રોજ મુન્દ્રા પોર્ટ થી 21.00 વાગ્યે દિલ્હી નજીક પાટલી માટે રવાના થઈ, જેમાં મેસર્સ અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા ટેન્કર દ્વારા 20 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન નું પરિવહન કરવામાં આવ્યું. આ ટ્રેન 8 મે 2021 ના રોજ તેના લક્ષ્યસ્થાન પર પહોંચી હતી.
ઠાકુરે માહિતી આપી કે પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં 12 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા લગભગ 1029 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પરિવહન કર્યું છે. તેને પ્રાથમિકતા પર ક્રાયોજેનિક કાર્ગોને લીધે તમામ સલામતીનાં પગલાં ને સુનિશ્ચિત કરતા લગભગ 53-56 કિમી પ્રતિ કલાકની સરેરાશ ઝડપે અવિરત માર્ગ પર ચલાવવામાં આવી હતી, જેથી તેને ટૂંક સમયમાં અને વહેલી તકે ગંતવ્ય સ્થાન પર પહોંચાડી શકાય.
તમામ પડકારોને સંબોધવા અને આ સંજોગોમાં નવા નિરાકરણો / ઉકેલો શોધવા, ભારતીય રેલ્વે દેશભરના વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) મિશન મોડ માં પ્રદાન કરવાની પ્રક્રિયા ચાલુ રાખશે. ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતવાળા કોવિડ -19 દર્દીઓને મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં 07 મે 2021 સુધી ભારતીય રેલ્વે દ્વારા વિવિધ રાજ્યો ને 185 ટેન્કર દ્વારા 2960 મેટ્રિક ટન થી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવામાં આવ્યું છે.
