પીએમ મોદીએ ઝારખંડમાં રૂ.35,700 કરોડની વિકાસ પરિયોજનાઓનું કર્યું લોકાર્પણ
Live TV
-
પીએમ મોદીએ સિન્દ્રીમાં 8,939 કરોડના ખર્ચે સ્થપાયેલી નવી ખાતરની ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના પ્રવાસ દરમિયાન 35,700 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રી સિન્દ્રીમાં રૂપિયા 8,939 કરોડના ખર્ચે સ્થપાયેલી નવી ખાતરની ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બાદ તેઓએ સિંદ્રી પ્લાન્ટના કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું હતું. આ સિવાય તેમણે રેલવે સંબંધિત અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યો. સાથે સાથે દેવઘરથી ગોડ્ડાને જોડતી મોહનપુર-હાંસદીહા નવી રેલવે લાઇનનું પણ ઉદ્ઘાટન કર્યું. મોહનપુર-હાંસદીહા રેલવે લાઇનનું રૂપિયા 753.48 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. તેની લંબાઈ 38.110 કિલોમીટર છે. આ લાઈન પર ચાલનારી પહેલી ટ્રેન દેવઘર-ડિબ્રુગઢ ટ્રેનને પ્રધાનમંત્રીએ લીલી ઝંડી બતાવી હતી.
પીએમ મોદીએ ધનબાદમાં એક જનસભાને પણ સંબોધિત કરી હતી. સંબોધનમાં તેઓએ કહ્યું કે, આજે ઝારખંડને 35 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ મળી છે. અમારો સંકલ્પ દેશને યુરિયામાં આત્મનિર્ભર બનાવવાનો હતો. જે આજે આગળ વધી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં અમે આદિવાસી સમાજને અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા ગણી છે.
પીએમ મોદીએ ધનબાદમાં સિન્દ્રી ફર્ટિલાઈઝર ફેક્ટરીનું ઉદ્દઘાટન કરતાં કહ્યું કે, મેં સંકલ્પ કર્યો હતો કે આ ફેક્ટરી સિન્દ્રીમાં ચોક્કસ શરૂ કરીશ. આ મોદીની ગેરંટી હતી અને આજે આ ગેરંટી પૂરી થઈ છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, અમે યુરિયાના મામલે દેશને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે. અમારી સરકારના પ્રયાસોને કારણે છેલ્લા 10 વર્ષમાં યુરિયાનું ઉત્પાદન વધીને 310 લાખ મેટ્રિક ટન થયું છે. છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા રામાગુંડમ, ગોરખપુર અને બરૌનીના ફર્ટિલાઈઝર પ્લાન્ટને ફરી શરૂ કર્યા છે. તો આગામી સમયમાં તાલચેર ફર્ટિલાઈઝર પ્લાન્ટનું કામ પણ શરૂ થશે.