પોપ ફ્રાન્સિસના નિધન પર તેમના સન્માનમાં સમગ્ર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક
Live TV
-
દેશભરમાં જ્યાં રાષ્ટ્રધ્વજ નિયમિતપણે ફરકાવવામાં આવે છે તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે, કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજાશે નહીં.
ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ સોમવાર સવારે એટલે કે ઈસ્ટર મંડેના દિવસે નિધન થયું છે. આ વર્ષે ડબલ નિમોનિયાથી પીડિત થયા બાદ પોપ ફ્રાન્સિસ 38 દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન એવા પોપ ફ્રાન્સિસના અવસાન પર દુનિયાભરના દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, પોપ ફ્રાન્સિસ ભારતીયો પ્રત્યે ખાસ સ્નેહ રાખતા હતા. આ વચ્ચે તેમના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
સમગ્ર ભારતમાં રાષ્ટ્રીયધ્વજ અડધો ઝુકાવવામાં આવશે
પોપ ફ્રાન્સિસના નિધન પર સન્માન તરીકે ગૃહ મંત્રાલયે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. પોપના સન્માનમાં સમગ્ર ભારત ત્રણ દિવસીયનો રાજકીય શોક મનાવાશે. 22 અને 23 એપ્રિલે બે દિવસીય રાજકીય શોક રહેશે. આ સિવાય અંતિમ સંસ્કારના દિવસે એક દિવસનો રાજકીય શોક રહેશે. રાજકીય શોક દરમિયાન સમગ્ર ભારતમાં તે તમામ ઈમારતો પર રાષ્ટ્રીયધ્વજ અડધો ઝૂકેલો રહેશે, જ્યાં નિયમિત રીતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજાશે નહીં.
વડાપ્રધાન મોદીએ પોપ ફ્રાન્સિસના નિધન પર શું કહ્યું ?
વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસના નિધનની જાહેરાત સોમવારે સવારે જ કરવામાં આવી હતી. જેના પર દુનિયાભરના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું હતું કે, 'ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના નિધન પર ખુબ જ દુ:ખ થયું છે. દુઃખના આ સમયમાં હું વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરું છું. પોપ ફ્રાન્સિસ હંમેશા પોતાની કરૂણા, નમ્રતા અને આધ્યાત્મિક સાહસ માટે સમગ્ર દુનિયામાં આદરને પાત્ર રહેશે.'