PM મોદી અને US VP જેડી વેન્સે દ્વિપક્ષીય સંબંધોની કરી સમિક્ષા, વિવિધ ક્ષેત્રે ચર્ચા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે દ્વિપક્ષીય સંબંધોની કરી સમિક્ષા, ઉર્જા-રક્ષા અને પ્રોધ્યોગીકીના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે ચર્ચા કરવામાં આવી.
અમેરિકાના નાયબ પ્રમુખ જેમ્સ ડેવિડ (જે.ડી.) વેન્સ ચાર દિવસના ભારત પ્રવાસે છે. સોમવારે વેન્સ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઇ હતી. બેઠકમાં તમામ મોટા મુદ્દા અંગે વિસ્તારપુર્વક ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ આર્થિક ક્ષેત્રના અનેક મોરચે સધાયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. પારસ્પરિક લાભકારી ભારત- અમેરિકા વેપાર સમજૂતી માટે ચાલી રહેલી વાટાઘાટોમાં સધાયેલી પ્રગતિને પણ બંને દેશોએ આવકારી હતી. તે ઉપરાંત ઉર્જા, સંરક્ષણ, ટેકનોલોજી સહિત અનેક મોરચે સહયોગ વધારવાના મુદ્દે સહમતી સધાઇ હતી. વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પોતાના સફળ અમેરિકા પ્રવાસને યાદ કર્યો હતો.અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા પાઠવતાં પ્રધાનમંત્રી મોદીએ આ વર્ષે ટ્રમ્પની ભારત મુલાકાતને મુદ્દે ઉસ્તુકતા વ્યક્ત કરી હતી.
શું દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી ઉપપ્રમુખ વેન્સ વચ્ચેની મુલાકાત બાદ, પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ થઈ હતી. હાલમાં, ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટોના આગલા તબક્કામાં પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, US પ્રમુખ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર પહેલાથી જ લાદવામાં આવેલા 10% ટેરિફ ઉપરાંત 26%નો નવો ટેરિફ લાદ્યો હતો, જેને 90 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. આર્થિક નિષ્ણાતો અનુસાર, જો આ કરાર થાય છે, તો તે બંને દેશો માટે "જીત-જીત" જેવી પરિસ્થિતિ હશે.
ફેબ્રુઆરીમાં વોશિંગ્ટન DCમાં વડાપ્રધાન મોદી અને US પ્રમુખ ટ્રમ્પ વચ્ચે થયેલી મુલાકાત બાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, 2025માં વેપાર કરારના પ્રથમ તબક્કા પર ચર્ચા પૂરી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, આ ચર્ચાઓને નવી દિશા અને ગતિ આપવાના સંદર્ભમાં જેડી વેન્સની આ ભારત મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.