પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભૂટાનના રાજા વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં જાણો કયા મુદ્દા પર વાત થઈ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે મંગળવારે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, બંને પક્ષોએ તેમના સંબંધોને વધુ વેગ આપવા માટે દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરી. આ દરમિયાન પીએમ મોદીએ ભૂટાનમાં સામાજિક-આર્થિક સુધારાઓ માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા
નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે, ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે પીએમ મોદીને ભૂટાન દ્વારા લેવામાં આવેલી સુધારાની પહેલ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું, પીએમ મોદીએ ભૂટાનના સામાજિક-આર્થિક વિકાસ માટે ભારતના સંપૂર્ણ સમર્થનનો પણ પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે, બંને દેશોએ આર્થિક અને વિકાસ ભાગીદારી, વેપાર સુવિધાના પગલાં અને વેપાર, કનેક્ટિવિટી, રોકાણ, ઊર્જા અને અવકાશ અને સ્ટાર્ટઅપ્સ સહિતના નવા ક્ષેત્રોમાં સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી.
ભારત ભૂટાનથી કૃષિ કોમોડિટીની નિકાસ માટે વધારાની સ્ટેન્ડબાય ક્રેડિટ સુવિધા શરૂ કરશે
મીટિંગના પરિણામો વિશે વાત કરતા વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે, ભારત ભૂટાનની આગામી 13મી પંચવર્ષીય યોજના માટે પોતાનું સમર્થન આપશે. તેમણે કહ્યું કે, ભારત ભૂટાનથી કૃષિ કોમોડિટીની નિકાસ માટે વધારાની સ્ટેન્ડબાય ક્રેડિટ સુવિધા અને લાંબા ગાળાની ટકાઉ વ્યવસ્થાને આકાર આપવા માટે પણ કામ કરશે. તેમણે એમ પણ કહ્યું કે દેશ પેટ્રોલિયમ અને કોલસા જેવી મહત્વપૂર્ણ ચીજવસ્તુઓની ખાતરીપૂર્વકની સપ્લાય માટે લાંબા ગાળાની દ્વિપક્ષીય વ્યવસ્થા વિકસાવવા માટે પણ કામ કરશે.
ભારત અને ભૂટાન વચ્ચે પ્રથમ રેલ લિંક હશે
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે, બંને દેશો ભારત-ભૂતાન સરહદ પર પ્રથમ સંકલિત ચેકપોસ્ટ સ્થાપવા પર વિચાર કરી રહ્યા છે, જે જયગાંવ નજીક હશે. તેમણે કહ્યું કે, ભારત અને ભૂટાન પણ ભૂટાન પક્ષ સાથે પરામર્શ કરીને ભારત સરકારના સમર્થન દ્વારા પ્રસ્તાવિત કોકરાઝાર-ગેલેફુ રેલ લિંક પ્રોજેક્ટને ઝડપી બનાવશે. વિદેશ સચિવે કહ્યું, તે ઐતિહાસિક હશે કારણ કે તે ભારત અને ભૂટાન વચ્ચે પ્રથમ રેલ લિંક હશે.
ભૂટાનમાં ભારતીય પ્રવાસીઓ માટે ડિસ્કાઉન્ટ
ભૂટાનમાં આવતા પ્રવાસીઓને દરરોજ આશરે $200 ચૂકવવા પડે છે, જ્યારે ભારતીયો માટે તે માત્ર રૂ. 1200 છે જે ખૂબ જ ઓછું છે. અત્યારે આ પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યું છે અને કેવા સંજોગો ઉભા થાય છે તે પછીથી જોવામાં આવશે.
ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક ત્રણ દિવસીય ભારતની મુલાકાતે છે. ભૂટાનના રાજાની સાથે વિદેશ અને વિદેશી વેપાર મંત્રી ડૉ. તાન્ડી દોરજી અને ભૂટાન સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ છે. આ મુલાકાત ભારત-ભૂતાનની નજીકની અને અનન્ય ભાગીદારીને વધુ મજબૂત કરશે.
