પ્રધાનમંત્રીએ દેશમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણ અભિયાન અંગે રાજ્યોનાં રાજ્યપાલ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા કર્યો સંવાદ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણ અભિયાન અંગે રાજ્યોનાં રાજ્યપાલ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો. આ અવસરે ઉપરાષ્ટ્રપતિ વૈકયાનાયડુ, ગૃહમંત્રી અમિતશાહ અને આરોગ્યમંત્રી હર્ષવર્ધન ઉપસ્થીત રહ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કોરોના વિરૂધ્ધ દેશવાસીઓ દ્વારા દેખાડવામાં આવેલી એકજુથતા અને સંકલ્પ શક્તિને યાદ કરીને તેની પ્રશંસા કરી હતી અને તેવી જ જનભાગીદારી સુનિશ્ચીત કરવા આહવાન કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના સામે વેકસીનની સાથે આપણા સંસ્કાર સૌથી મોટી તાકાત છે. આ પરિસ્થિતિમાં રાજ્યપાલોની ભુમિકા મહત્વની બની જાય છે. કેમકે તેમની ઉચ્ચ સામાજિક પ્રતિષ્ઠાથી જનભાગીદારીની આ પ્રક્રિયામાં વધુ ઝડપ આવે છે. તેમણે કહ્યું કે રાજ્યપાલ રાજ્યસરકાર અને સમાજ વચ્ચે શ્રેષ્ઠ સમન્વય સુનિશ્ચીત કરવામાં એક મહત્વપૂર્ણ કડી છે. સરકાર વેકસીનની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચીત કરાવવા સમર્પીત છે.
પ્રધાનમંત્રીને કહ્યું કે દુનિયામાં સૌથી પહેલા ભારતે 10 કરોડ રસીકરણનું લક્ષ પુરુ કર્યું છે. આ સંદર્ભમાં તેમણે દેશભરમાં ચાર દિવસથી ચાલતા રસીકરણ ઉત્સવનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે આ સમય દરમિયાન રસીકરણને ગતિ મળી છે તેમજ ઘણા નવા રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. આ અવસરે ઉપરાષ્ટ્રપતિ વૈકયાનાયડું એ કોરોના વિરૂધ્ધ અભિયાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વને બિરદાવ્યું હતું. તેમણે રાજ્યપાલોને આહવાન કર્યું કે તેઓ પોતાના રાજ્યોમાં સર્વદલીય બેઠકોનું નેતૃત્વ કરીને સામાજીક સંગઠનોને સાથે લઇને આ અભિયાનમાં રાજકીય એકતા સ્થાપિત કરે. ગૃહમંત્રી અમિતશાહે આ સંક્રમણમાં દરેક નાગરિકનું જીવન બચાવવાની પ્રતિબધ્ધતા ઉપર ભાર મુક્યો હતો. રાજ્યપાલોએ રાજ્ય સરકારો દ્વારા કોરોના સંક્રમણનો સામનો કરવાના પ્રયાસોની જાણકારી આપી હતી.
