Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ પ્રયાગરાજમાં સ્વ સહાય જૂથોની 16 લાખ મહિલાઓને 1000 કરોડ રૂપિયાની કરી ફાળવણી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી અને ખાસ કરીને પાયાના સ્તરે મહિલાઓના સશક્તીકરણ માટે યોજવામાં આવી રહેલા કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ સ્વ-સહાય સમૂહો (SHG)ના બેંક ખાતાઓમાં રૂપિયા 1000 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. સ્વ-સહાય મહિલા સમૂહો લગભગ 16 લાખ મહિલા સભ્યોને લાભ આપી રહ્યા છે. દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જેમાં અંદાજે 80,000 SHGને પ્રત્યેક SHG દીઠ રૂ. 1.10 લાખ લેખે સામુદાયિક રોકાણ ભંડોળ (CIF) અને અંદાજે 60,000 SHG ને પ્રત્યેક SHG દીઠ રૂ. 15,000 લેખે રિવોલ્વિંગ (ફરતા) ભંડોળ તરીકે પ્રાપ્ત થઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ – સખીઓ (B.C. - સખીઓ)ને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે 20,000 B.C.- સખીઓના બેંક ખાતામાં પહેલા મહિનાના સ્ટાઇપેન્ડ તરીકે પ્રત્યેકને રૂ. 4000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના હેઠળ 1 લાખ કરતાં વધારે લાભાર્થીઓને પણ કુલ રૂપિયા 20 કરોડથી કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરી હતી. પ્રધાનમંત્રીએ 202 પૂરક પોષણ વિનિર્માણ એકમોનો શિલાન્યાસ પણ કર્યો હતો.

    આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ હિન્દી સાહિત્યનાં દિગ્ગજ એવા આચાર્ય મહાવીર પ્રસાદ દ્વિવેદીને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રયાગરાજ હજારો વર્ષોથી આપણી માતૃશક્તિના પ્રતીક એવી ગંગા-યમુના-સરસ્વતી નદીના સંગમની ભૂમિ છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે આ તીર્થનગરી નારી-શક્તિના આવા અદ્ભુત સંગમની પણ સાક્ષી બની રહી છે.

    પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર દેશ ઉત્તરપ્રદેશમાં મહિલાઓના સશક્તીકરણ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કાર્યોનો સાક્ષી બની રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના કે જે અંતર્ગત આજે આ રાજ્યની એક લાખ કરતાં વધારે લાભાર્થી દીકરીઓના બેંક ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, એવી વિવિધ યોજનાઓ ગ્રામીણ ગરીબ અને દીકરીઓના વિશ્વાસનું મહાન માધ્યમ બની રહી છે. ઉત્તરપ્રદેશમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા અભૂતપૂર્વ રીતે મહિલાઓની સુરક્ષા, ગૌરવ અને આદર સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, સરકારે બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના માધ્યમથી લિંગની પસંદગીના આધારે ગર્ભપાતને રોકવા માટે સમાજની ચેતનાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. આના કારણે સંખ્યાબંધ રાજ્યોમાં દીકરીઓની સંખ્યામાં વધારો નોંધાયો હોવાનું તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર સગર્ભા મહિલાઓ રસીકરણ, હોસ્પિટલોમાં ડિલિવરી તેમજ ગર્ભાવસ્થા દરમિયાન પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ, મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન તેમના બેંક ખાતામાં રૂપિયા 5000 જમા કરવામાં આવે છે, જેથી તેઓ પોતાના માટે યોગ્ય આહારનું ધ્યાન રાખી શકે. 

    પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રોજગારી માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને પરિવારની આવકમાં વધારો થઇ રહ્યો છે, મહિલાઓને સમાન ભાગીદાર બનાવવામાં આવી રહી છે. આજે, મુદ્રા યોજના ગામડાઓ અને ગરીબ પરિવારોમાંથી આવતી નવી મહિલા ઉદ્યોગ સાહસિકોને પણ પ્રોત્સાહન આપી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં દીનદયાળ અંત્યોદય યોજના દ્વારા મહિલાઓને સ્વ-સહાય સમૂહો અને ગ્રામીણ સંગઠનો સાથે સાંકળવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર કોઇપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર દીકરીઓનું ભવિષ્ય સશક્ત કરવા માટે અથાક કામ કરી રહી છે. તેમણે છોકરીઓના લગ્ન માટે લઘુતમ કાનૂની વય સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય વિશેની માહિતી પણ આપી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “અગાઉ, છોકરાઓ માટે લગ્નની લઘુતમ કાનૂની ઉંમર 21 વર્ષ હતી, પરંતુ છોકરીઓ માટે આ ઉંમર માત્ર 18 વર્ષ રાખવામાં આવી હતી. દીકરીઓ પણ ઇચ્છતી હતી કે તેમને ભણવા માટે સમય મળવો જોઇએ અને સમાન તકો મળવી જોઇએ. આથી દીકરીઓ માટે લગ્નની લઘુતમ કાનૂની ઉંમર 21 વર્ષ સુધી લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દીકરીઓના હિતાર્થે દેશ આ નિર્ણય લઈ રહ્યો છે.”

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply