પ્રધાનમંત્રીએ રોગચાળો હોવા છતાં વિક્રમજનક કૃષિ ઉત્પાદન માટે ખેડૂતોની કરી પ્રશંસા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે રોગચાળાના આ સમયમાં પણ આપણા ખેડૂતોએ વિક્રમજનક ઉત્પાદન કર્યું છે. તેમણે કહ્યું કે આ વખતે અનેક જગ્યાએ સરસવ માટે ખેડૂતોને ટેકાના ભાવથી પણ વધુ ભાવ મળ્યા છે. વિક્રમજનક ખાદ્યાન્ન ઉત્પાદનના કારણે જ આપણો દેશ દરેક દેશવાસીને એક બળ પ્રદાન કરી શકે છે. જેના કારણે આજે આ સંકટ કાળમાં 80 કરોડ ગરીબોને મફત રાશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. 'મન કી બાત' કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિત કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશના ખેડૂતો અનેક ક્ષેત્રોમાં નવી વ્યવસ્થાઓનો લાભ ઉઠાવીને કમાલ કરી રહ્યા છે. અગરતલાના ખેડૂતોનો દાખલો આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ખેડૂતો ફણસનો બહુ સારો પાક લે છે. જેની માંગ દેશ વિદેશમાં છે. આથી આ વખતે અગરતલાના ખેડૂતોની ફણસ રેલવે દ્વારા ગુવાહાટી લાવવામાં આવી. ગુવાહાટીથી હવે તે ફણસ લંડન મોકલવામાં આવી રહી છે. તેમણે બિહારની શાહી લીચી અંગે વાત કરતાં કહ્યું હતું કે, 2018માં સરકારે શાહી લીચીને જીઆઈ ટેગ પણ આપ્યો હતો જેથી તેની ઓળખ મજબૂત થાય અને ખેડૂતોને વધુ ફાયદો થાય. આ વખતે બિહારની આ શાહી લીચી પણ હવાઈમાર્ગે લંડન મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે દક્ષિણ ભારતની વિજયનગરની સેંકડો ટન વિજયનગરમ્કેરી કિસાન રેલ થકી દિલ્લી પહોંચાડવામાં આવી રહી છે જેના થકી ખેડૂતોને સારી એવી કમાણી પણ થશે. કિસાન રેલ અત્યાર સુધી લગભગ બે લાખ ટન ઉપજનું પરિવહન કરી ચૂકી છે. હવે ખેડૂતો બહુ ઓછી કિંમતે ફળ, શાક અને અનાજ દેશના ખૂણે ખૂણે મોકલી શકે છે.
