પ્રધાનમંત્રી આજે કર્ણાટકની મુલાકાતે, બોઇંગ સુકન્યા કાર્યક્રમનો શુભારંભ કરાવશે
Live TV
-
ભારતભરની વધુ છોકરીઓને દેશનાં વિકસતા ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રવેશને ટેકો આપવાનો ઉદ્દેશ્ય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી બપોરે 2:45 વાગ્યે કર્ણાટકનાં બેંગલુરુમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરશે તથા બોઇંગ સુકન્યા કાર્યક્રમનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સાંજે 6 વાગે તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023ના ઉદઘાટન સમારંભમાં સહભાગી થશે.
પ્રધાનમંત્રીની બેંગલુરુ મુલાકાત
પ્રધાનમંત્રી બેંગલુરુમાં નવા અત્યાધુનિક બોઇંગ ઇન્ડિયા એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર (બીઇઇટીસી) કેમ્પસનું ઉદઘાટન કરશે. 1,600 કરોડ રૂપિયાના રોકાણ સાથે નિર્મિત 43 એકરનું આ કેમ્પસ બોઇંગનું અમેરિકાની બહાર આ પ્રકારનું સૌથી મોટું રોકાણ છે. ભારતમાં બોઇંગનું નવું કેમ્પસ ભારતમાં વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ, ખાનગી અને સરકારી ઇકોસિસ્ટમ સાથે ભાગીદારી માટે પાયાનો પથ્થર બનશે અને વૈશ્વિક એરોસ્પેસ અને સંરક્ષણ ઉદ્યોગ માટે આગામી પેઢીના ઉત્પાદનો અને સેવાઓ વિકસાવવામાં મદદ કરશે.
પ્રધાનમંત્રી બોઇંગ સુકન્યા કાર્યક્રમનો પણ શુભારંભ કરશે, જેનો ઉદ્દેશ્ય ભારતભરની વધુ છોકરીઓને દેશનાં વિકસતા ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રવેશને ટેકો આપવાનો છે. આ કાર્યક્રમથી ભારતભરની છોકરીઓ અને મહિલાઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનીયરિંગ અને મેથ્સ (STEM) ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ કૌશલ્યો શીખવાની તક મળશે તથા ઉડ્ડયન ક્ષેત્રમાં રોજગારી માટે તાલીમ મળશે. યુવાન છોકરીઓ માટે આ કાર્યક્રમ 150 આયોજિત સ્થળો પર STEM Labsનું સર્જન કરશે, જેથી STEM કારકિર્દીમાં રસ જગાવવામાં મદદ મળશે. આ પ્રોગ્રામમાં પાઇલટ બનવાની તાલીમ લઈ રહેલી મહિલાઓને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે.