પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં સંત ગુરૂ રવિદાસની 647મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લીધો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આવેલા શિર ગોવર્ધનમાં સંત ગુરૂ રવિદાસની 647મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. પીએમએ સંત ગુરૂ રવિદાસની પૂજા-અર્ચના કરીને તેમની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ અવસર પર ઉપસ્થિત બધા લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, મને સંત રવિદાસની નવી પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. સંત રવિદાસે સમાજને રૂઢિઓમાંથી મુક્ત કરાવ્યો હતો. હાલમાં કાશી સિવાય કેટલીક જગ્યાએ રવિદાસજીના સંકલ્પો પૂરા થઈ રહ્યા છે. આજે દેશે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. આપણે જાતિવાદની નકારાત્મક અસરોથી બચીને સંત રવિદાસના માર્ગે ચાલવાનું છે.
આ પહેલા પ્રધાનમંત્રીએ બનારસ હિન્દુ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા.અહીંના સ્વતંત્રતા ભવનમાં તેમણે સાંસદ સંસ્કૃત સ્પર્ધાના ટોપર્સને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું. આ કાર્યક્રમમાં તેમની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પણ હાજર રહ્યા. આ અવસરે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે, કાશી સર્વધર્મ સમાજની રાજધાની છે. કાશીમાં છેલ્લા 10 વર્ષમાં ઘણો વિકાસ થયો છે. મહાદેવના આશીર્વાદ સાથે કાશીમાં ચારેબાજુ વિકાસનું ડમરું વાગ્યું છે. કાશી માત્ર આપણી આસ્થાનું તીર્થ નથી, તે ભારતની શાશ્વત ચેતનાનું જાગૃત કેન્દ્ર છે. આવતા 5 વર્ષમાં દેશ આત્મવિશ્વાસ સાથે વિકાસને નવી ગતિ આપશે, દેશ સફળતાની નવી પેટર્ન બનાવશે, જે મોદીની ગેરંટી છે. મહત્વનુ છે કે આજે પ્રધાનમંત્રી પોતાના વારાણસી પ્રવાસ દરમિયાન 13 હજાર કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ પણ કરશે.જેમાં રોડ, ઈન્ડસ્ટ્રી, ટુરીઝમ, ટેક્સટાઈલ અને હેલ્થ સેક્ટરને જંગી પ્રોત્સાહન મળશે.
