પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જામનગરમાં ભવ્ય સ્વાગત
Live TV
-
પ્રધાનમંત્રી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. જણાવી દઈએ કે, આ દરમિયાન તેઓ જામનગર અને ગીર સોમનાથની મુલાકાત લેશે. મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરાયું.
જામનગર ઍરપોર્ટથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો યોજાયો છે. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.પ્રધાનમંત્રીની મુલાકાતને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તંત્ર દ્વારા પાયલોટ બંગલા સુધીનો રોડ કોર્ડન કરવામાં આવ્યો છે. તેઓ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા સાથે મુલાકાત કરીને તેમને જન્મદિનની શુભકામનાઓ પણ પાઠવશે. તેઓ જામનગરના સર્કિટ હાઉસમાં આજે રાત્રિ રોકાણ પણ કરશે. પ્રધાનમંત્રી રાત્રિ રોકાણ બાદ આવતીકાલે સવારે ફરી મોટર માર્ગે જામનગરના એરપોર્ટ પર પહોંચે અને ચોપર હેલિકોપ્ટર મારફતે તેઓ રિલાયન્સમાં ઉતરાણ કરે, તેવી પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
2 માર્ચનો પ્રધાનમંત્રીનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે (રવિવાર) સવારે 6 વાગ્યાથી 'વનતારા' એનિમલ રેસ્ક્યૂ સેન્ટરની મુલાકાત પણ લેશે. જ્યાં તેઓ બપોરે 1 વાગ્યા સુધી રોકાશે. ત્યારબાદ બપોરે 1.30 વાગ્યે સોમનાથ પહોંચશે. ત્યાં બપોરનું ભોજન પણ લેશે. જ્યાં બપોરે 2.15 વાગ્યે તેઓ સોમનાથ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવની આરતી, પુજન અને દર્શન કરશે. બાદમાં પ્રધાનમંત્રી ગીર સોમનાથ તાલુકાના સ્થાનિક કાર્યકર્તાઓ, ભાજપના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરવાના છે. બપોરે 3 વાગ્યે ત્યાંથી રવાના થશે અને બપોરે 4 વાગ્યે સાસણગીર પહોંચશે. સાસણ ગીર ખાતે તેઓ રાત્રિ રોકાણ પણ કરશે.
3 માર્ચનો પ્રધાનમંત્રીનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી સોમવાર સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી જંગલ સફારીની મુલાકાત લશે. ત્યારબાદ સવારે 10 વાગ્યે વન વિભાગની નેશનલ વાઈલ્ડલાઈફ કૉન્ફરન્સમાં પણ ભાગ લેશે. તેઓ બપોરે 1 વાગ્યા આસપાસ તેઓ રાજકોટ એરપોર્ટ પહોંચશે અને બપોરે 2 વાગ્યે રાજકોટથી દિલ્હી જવા રવાના થશે. આમ, પ્રધાનમંત્રી ત્રણ દિવસ ગુજરાત મુલાકાત અંતર્ગતનો ત્રણ જિલ્લામાં પ્રવાસનો ખેડશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના સ્વાગતમાં મંત્રી રાઘવજી પટેલ તથા મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, જામનગરના મેયર વિનોદભાઇ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજી ચાવડા, રિવાબા જાડેજા,દિવ્યેશભાઇ અકબરી, ચીફ સેક્રેટરી પંકજ જોશી, ડી.જી.પી. વિકાસ સહાય, એરફોર્સના ગ્રુપ કેપ્ટન સૌરભ પારિજાત, કલેકટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓ રમેશભાઇ મુંગરા અને ડૉ.વિમલભાઇ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
