બે દિવસીય જી-20 શિખર સંમેલનની શરૂઆત, ભારત મંડપમમાં પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક નેતાઓનું કર્યું સ્વાગત
Live TV
-
દિલ્હીમાં આયોજિત જી20 શિખર સંમેલનની આજથી શરૂઆત થઇ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત મંડપમ પહોંચ્યા હતા. ભારત મંડપમમાં વિદેશી મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. વિવિધ દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષોને ઉમળકાભેર આવકાર આપ્યો હતો. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનિઝનું પ્રધાનમંત્રીએ સ્વાગત કર્યુ હતું. આ ઉપરાંત યુકે પ્રધાનમંત્રી ઋષિ સુનક, જાપાનના પ્રધાનમંત્રી ફુમિઓ કિશિદા, દ.આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સહિત ઇટલી, બ્રાઝિલ, ચીન, તુર્કીયે , દક્ષિણ કોરિયા સહિત વિવિધ દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો અને તમામ નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ વૈશ્ચિક આયોજન દરમિયાન દુનિયાની અગ્રણી અર્થવ્યવસ્થાઓ દ્વારા ખાદ્ય સુરક્ષા, ઉર્જા સુરક્ષાથી લઇને સ્વચ્છ ઉર્જા સંક્રમણ અને જળવાયુ પરિવર્તન સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે.ભારત વિકાસશીલ દેશોની આશા અને આકાંક્ષાઓનું સમર્થન કરીને પોતાને એક વૈશ્વિક શક્તિના રૂપમાં સ્થાપિત કરીને ભારત જી20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ દરમિયાન પ્રમુખ પ્રાથમિકતાઓમાં સતત વિકાસ લક્ષ્ય, જળવાયુ પરિવર્તનના વિનાશકારી પ્રભાવો વિરુદ્ધ કાર્યવાહીનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે જી-20 સંમેલનના પ્રથમ સત્રની થીમ વન અર્થ છે.
