"ભલે 66% વોટ ન મળ્યા, પણ 100% મહિલાઓના આશીર્વાદ અમારી સાથે છે": પ્રધાનમંત્રી મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે(18 એપ્રિલ) રાષ્ટ્રને સંબોધિત કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સંસદમાં આવેલા અવરોધો છતાં મહિલાઓને તેમનું યોગ્ય પ્રતિનિધિત્વ મળવું એ માત્ર સમયની વાત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ માટે સરકારની પ્રતિબદ્ધતા અડગ રહેશે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, મહિલા અનામત માટેની લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તે પ્રાપ્ત ન થાય. તેમણે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો હતો કે વિપક્ષને મહિલા અનામત પ્રત્યે પહેલેથી જ અરુચિ રહી છે. વિપક્ષે ગેરમાર્ગે દોરનારી વાતો અને ધ્યાન ભટકાવવાની યુક્તિઓનો સહારો લીધો છે, જેનાથી તેમનો 'અસલી ચહેરો' દેશની મહિલાઓ સામે ખુલ્લો પડી ગયો છે.
આશીર્વાદ અમારી સાથે: પ્રધાનમંત્રી મોદીએે કહ્યું કે, "આ બિલ ક્રેડિટ લેવા માટે નહોતું. ભલે અમને સંસદમાં 66 ટકા મત ન મળ્યા હોય, પરંતુ અમને 100 ટકા મહિલાઓના આશીર્વાદ મળ્યા છે. અમારી પાસે સંખ્યાબળ ભલે ઓછું રહ્યું, પણ લડત ચાલુ રહેશે."
સુધારા વિરોધી માનસિકતા: તેમણે કોંગ્રેસને 'સુધારા વિરોધી' ગણાવતા કહ્યું કે આ એ જ પક્ષ છે જેણે આધાર, GST, ડિજિટલ પેમેન્ટ્સ, આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અનામત અને કલમ 370 નાબૂદ કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.
પરિવારવાદ પર પ્રહાર: પ્રધાનમંત્રીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ ક્યારેય એવું નહીં ઈચ્છે કે તેમના પરિવારની બહારની કોઈ મહિલા રાજકારણમાં આગળ વધે.
તેમણે અંતમાં ઉમેર્યું કે આ લડાઈ માત્ર સંસદમાં સંખ્યાબળની નથી, પરંતુ નકારાત્મક રાજકારણ સામેની પણ છે.
