ભારતના રાષ્ટ્રપતિ સાથે ભારતીય દૃષ્ટિહીન ક્રિકેટ સંઘના પ્રમુખની મુલાકાત
Live TV
-
ભારતીય CABiના પ્રમુખ મહેંતેશ જી. કિવાદાસન્નાવરે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. તેમણે રાષ્ટ્રપતિને 11 થી 25 નવેમ્બર દરમિયાન યોજાનાર પ્રથમ મહિલા દૃષ્ટિહીન ટી20 વર્લ્ડ કપ વિશે માહિતી આપી.
CABiના પ્રમુખ સાથે પૂર્વ વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી તેમજ ટુર્નામેન્ટની આયોજન સમિતિના અધ્યક્ષ મીનાક્ષી લેખી પણ હાજર હતાં.રાષ્ટ્રપતિ સાથેની તેમની વાતચીત વિશે વાત કરતા મહેંતેશ જી. કિવાદાસન્નાવરે કહ્યું કે, “માનનીય રાષ્ટ્રપતિને મળવું અને દુનિયાભરની દૃષ્ટિહીન મહિલા ક્રિકેટરોની સમાવેશીતા, સાહસ અને ખેલદિલીની ઉજવણી કરતા આ ઐતિહાસિક કાર્યક્રમની વિગતો રજૂ કરવી મારા માટે સૌભાગ્યની વાત હતી.”
મીનાક્ષી લેખીએ જણાવ્યું કે, “માનનીય રાષ્ટ્રપતિ તમામ મહિલાઓ માટે પ્રેરણા છે. દિવ્યાંગ પુરુષો અને મહિલાઓ આ સમગ્ર સફરમાં તેમના દ્વારા મળેલા સમર્થન માટે હૃદયપૂર્વક આભારી છે.”પ્રથમ મહિલા દૃષ્ટિહીન ટી20 વર્લ્ડ કપની સહ-યજમાની ભારત અને શ્રીલંકા કરી રહ્યા છે. મેચ નવી દિલ્હી, બેંગલુરુ અને કોલંબોમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ભારત, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા અને અમેરિકાની ટીમો ભાગ લઈ રહી છે. કુલ 21 લીગ મેચ, બે સેમીફાઇનલ અને ફાઇનલ રમાશે.
આ સપ્તાહની શરૂઆતમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે જો પાકિસ્તાન ફાઇનલ માટે ક્વોલિફાય કરશે, તો ફાઇનલ મેચ કોલંબોમાં રમાશે. ભારતીય મહિલા દૃષ્ટિહીન ક્રિકેટ ટીમે 2023 IBSA વર્લ્ડ ગેમ્સની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે ઈવેન્ટના બરાબર 2 વર્ષ પછી આ વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે.
પ્રથમ મહિલા દૃષ્ટિહીન ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ આ પ્રમાણે છે:
બી1 કેટેગરી: સિમુ દાસ (દિલ્હી), પી. કરુણા કુમારી (આંધ્ર પ્રદેશ), અનુ કુમારી (બિહાર), જમુના રાણી ટુડુ (ઓડિશા), કાવ્યા વી (કર્ણાટક)
બી2 કેટેગરી: અનેખા દેવી (દિલ્હી), બસંતી હંસદા (ઓડિશા), સિમરનજીત કૌર (રાજસ્થાન), સુનિતા સારથે (મધ્ય પ્રદેશ), પારબતી મારંડી (ઓડિશા)
બી3 કેટેગરી: દીપિકા ટીસી (કર્ણાટક – કેપ્ટન), ફૂલા સોરેન (ઓડિશા), ગંગા એસ કદમ (મહારાષ્ટ્ર – વાઇસ કેપ્ટન), કાવ્યા એનઆર (કર્ણાટક), સુષમા પટેલ (મધ્ય પ્રદેશ), દુર્ગા યેવલે (મધ્ય પ્રદેશ)
