ભારતમાં પ્રથમ 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી' ગુજરાતની પહેલ
Live TV
-
'ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી' હવે 'ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી તરીકે ઓળખાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી' મહત્વની ભૂમિકા ભજવશે. ભારતની પ્રથમ 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી' શરુ કરવાની ગુજરાતની આ આગવી પહેલ છે તેમ, વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી સુધારા વિધેયક અંગે જણાવ્યું હતું.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધેયક રજૂ કરતાં જણાવ્યું છે કે, આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સતત પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવી રહ્યા છે. વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે અને પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં અનુભવી-જાણકાર માનવ સંશાધન ઉપલબ્ધ કરાવાના હેતુથી ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રિકલ્ચર યુનિવર્સિટીનું નામ બદલીને 'ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી' કરવું જરૂરી હોઈ આ વિધેયક લાવવામાં આવ્યું છે.
મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિના ઉત્કર્ષ માટે સતત આહ્વાન કરી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક કૃષિના શિક્ષણ, સંશોધન અને પ્રચાર-પ્રસારને વધુ વેગમાન બનાવવા એક કેન્દ્રીત લક્ષ્ય સાથે કામગીરીના હેતુથી દેશની પ્રથમ 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી' સઘન કામગીરી કરશે. પ્રાકૃતિક ખેતી ગાયના ગોબર તથા ગૌ મુત્ર આધારિત જીવામૃત અને ઘનામૃત ખેડૂત જાતે બનાવી ઉપયોગમાં લેતા હોવાથી પ્રાકૃતિક ખેતી માટે બહારથી ખેત સામગ્રી ખરીદવાની જરૂરીયાત રહેતી નથી તેથી ખેતી ખર્ચ ઘટે છે.
મંત્રીએ ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી' બનવાથી આ યુનિવર્સિટી શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની પ્રવૃત્તિઓ વધુ સઘન કરી શકશે. વૈજ્ઞાનિક ઢબે સંશોધન અને શિક્ષણની ચોક્કસ દિશામાં કામગીરી થવાથી લાંબાગાળે તેના પરિણામોથી ખેડૂતો લાભાન્વિત થશે અને ખેડૂતો સરળતાથી પ્રાકૃતિક ખેતી અપનાવી શકશે .
પ્રાકૃતિક ખેતીના ફાયદા :
¤ જમીનને બિન ઉપજાઉ બનતા અટકાવી શકાય છે
¤ આરોગ્યની સાથે પર્યાવરણની જાળવણીમાં પણ વધારો
¤ દેશી ગાયના છાણ મુત્ર માંથી જીવામૃત-ઘનજીવામૃતના ઉપયોગથી ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદનનો મળે છે
¤ સંશોધન થકી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારાશે જેનો સીધો લાભ ખેડૂતોને થશે
