ગુજરાત વિધાનસભામાં ખેત ઉત્પન્ન અને ખરીદ-વેચાણ અધિનિયમ સુધારા વિધેયક પસાર
Live TV
-
'ઈ-નામ' પ્લેટફોર્મ પર આંતર રાજ્ય વેપાર વધે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નીલ
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ વિધેયક સંદર્ભે જણાવ્યું કે, 'ઈ-નામ' પ્લેટફોર્મ પર આંતર રાજ્ય વેપાર વધે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નીલ છે. જેનો સૌથી વધુ લાભ ગુજરાતના ખેડૂતોને મળશે. મંત્રી વિશ્વકર્માએ વિધાનસભા ગૃહમાં વિધેયક રજૂ કરતાં જણાવ્યું કે, આ વિધેયકમાં કલમ-8(2) ની નવીન જોગવાઈ દાખલ કરવામાં આવી છે. કાયદામાં ગમે તે મજકુર હોય તેમ છતાં, ઈ-નામ પ્લેટફોર્મ પર આંતર રાજ્ય વેપાર વધે તે માટે પ્રવર્તમાન કાયદાની જોગવાઈઓ હેઠળ અન્ય રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશના લાયસન્સ ધરાવનાર વેપારી ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે કરાર કરે તે કરારની શરતોને આધીન 'ઈ-નામ' પ્લેટફોર્મ પર ખેત પેદાશોની ખરીદી કરી શકશે.
મંત્રીએ ઉમેર્યું કે, અત્યારે પાડોશી રાજ્યો જેવા કે રાજસ્થાનમાંથી જીરૂ અને વરીયાળી, મધ્યપ્રદેશમાંથી કઠોળ અને મહારાષ્ટ્રમાંથી ફળ અને શાકભાજી ગુજરાતમાં આવે છે. જ્યારે ગુજરાતમાંથી બટેટા, ડુંગળી, જીરૂ અને વરીયાળી અન્ય રાજ્યમાં જાય છે. આ વિધેયક પસાર થવાથી ગુજરાતના વેપારીઓ અન્ય રાજ્યમાંથી ઈ-નામ પ્લેટફોર્મ પર ખેતપેદાશો ખરીદી શકશે. ઓનલાઈન સોદા થવાથી હરીફાઈ વધશે જેને લીધે ખેડૂતોને વધુમાં વધુ ભાવ પ્રાપ્ત થશે. ઉપરાંત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધશે અને કરચોરી પણ અટકશે, આંતર રાજ્ય વેપારમાં વધારો થશે, બજાર સમિતિની આવકમાં વધારો થશે.
મંત્રી વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, મતદાર યાદી અંગેની જોગવાઈઓ સ્પષ્ટ કરવાના હેતુથી કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉના નાણાકીય વર્ષમાં લાઈસન્સની બોલીઓ અને શરતોને સુસંગત રહીને, જેમણે બજાર સમિતિના યાર્ડમાં વેપાર કર્યો હોય, જે વર્ષમાં ચૂંટણી હોય તેના અગાઉના છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષથી લાઈસન્સ ધરાવતા અને પ્રત્યેક નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછી 50000/- રૂપિયા માર્કેટ ફી ભરેલ હોય તેમજ જનરલ કમિશન એજન્ટના કિસ્સામાં જે વર્ષમાં ચુંટણી હોય તેના અગાઉના છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષથી લાઈસન્સ ધરાવતો હોય અને તેના થકી પ્રત્યેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછી 50000/- રૂપિયા માર્કેટ ફી ભરી હોય તેવા "કલમ-27 અથવા 27-ક હેઠળ જેનું લાઈસન્સ મંજૂર કર્યુ હોય અથવા તાજું કર્યુ હોય તેવા કમિશન એજન્ટ અથવા યથાપ્રસંગ, વેપારીઓએ" પોતાનામાંથી ઠરાવેલી રીતે ચૂંટવાના ચાર સભ્યોનો સમાવેશ થાય છે.
વધુમાં ઉમેર્યું કે, આ સુધારાના કારણે કોર્ટ મેટર ધટશે જેથી કોર્ટનો કિંમતી સમય બચશે, અધિકારી / કર્મચારીના કામનુ ભારણ ધટશે તથા સરકારી સમયનો બચાવ થશે તેમજ લોકોના સમય, નાણાં બચશે અને ન્યાયિક સંતુષ્ટતા વધશે. માત્ર ચૂંટણીના હેતુથી રાતોરાત લેવામાં આવતાં લાઈસન્સની સંખ્યામાં ઘટાડો થશે. જ્યારે બજાર સમિતિમાં વાસ્તવિક વેપાર કરતા વેપારીઓનું પ્રતિનિધિત્વ વધશે.આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે, કલમ-11(1)(3) માં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં ચૂંટણીના આગળના ત્રણ નાણાકીય વર્ષમાં પ્રત્યેક નાણાંકીય વર્ષમાં સતત ઓછામાં ઓછા પોતાના 1/3 સભાસદો પાસેથી ઉદ્દેશો અનુસાર કૃષિ ઉત્પન્ન ખરીદ કરી તેનું વેચાણ બજાર સમિતિના યાર્ડમાં કરેલ હોય અને ચૂંટણીના આગળના ત્રણ નાણાકીય વર્ષમાં પ્રત્યેક નાણાંકીય વર્ષમાં સતત ઓછામાં ઓછા રૂપિયા 5 લાખનો વ્યવસાય બજાર સમિતિના યાર્ડમાં કરેલ હોય તે જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે, આ નવી જોગવાઈથી બજાર સમિતિની અર્થક્ષમતાને નુકસાન થતુ અટકશે. જ્યારે ખાનગી યાર્ડના માલિક/બોર્ડ ઓફ ડિરેક્ટર જો બજાર સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટર હોય તો તે બજાર સમિતિના હિતોને નુક્શાન થઈ શકે છે. મંત્રીએ એક વ્યક્તિ એક જ મત આપી શકે તે હેતુથી દાખલ કરવામાં આવેલ કલમ-11(બી)(2) નવીન જોગવાઈ અંગે જણાવ્યું કે, કોઇપણ શખ્સ ચૂંટણીની મતદારયાદીમાં ગમે તે વિભાગમાં મતદાર તરીકે નોંધાયેલ હોય તેવો શખ્સ વ્યક્તિગત હેસિયતથી કે મંડળીના પ્રતિનિધિ તરીકે કે વેપારી તરીકે બજાર સમિતિની ચૂંટણીમાં તમામ વિભાગો પૈકી કોઈપણ એક જ વિભાગમાં એક જ મત આપી શકશે જેથી ચૂંટણી વધુ પારદર્શક રીતે કરી શકાશે.
ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત ખેત ઉત્પન્ન અને ખરીદ-વેચાણ અધિનિયમ -1963 સુધારા વિધેયક પસાર કરાયું હતું.
