ભારતે બાંગ્લાદેશમાં હિન્દુ નેતાની હત્યાની નિંદા કરી, જાણો શું કહ્યું
Live TV
-
વિદેશ મંત્રાલયે તેને દેશની વચગાળાની સરકાર હેઠળ લઘુમતીઓના "વ્યવસ્થિત ઉત્પીડનની પેટર્ન" ના ભાગ તરીકે ગણાવ્યું, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પાડોશી દેશમાં બનેલી ઘટનાની નિંદા કરી..
ભારતે શનિવારે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશચંદ્ર રોયના અપહરણ અને ક્રૂર હત્યાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે તેને દેશની વચગાળાની સરકાર હેઠળ લઘુમતીઓના "વ્યવસ્થિત ઉત્પીડનની પેટર્ન" ના ભાગ તરીકે ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, આ ઘટના બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી જૂથો સામે લક્ષિત હિંસાના ખતરનાક વલણને પ્રતિબિંબિત કરે છે.
પ્રવક્તા રણધીર જયસ્વાલે શું કહ્યું ?
પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં લખ્યું કે, "અમે બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી નેતા ભાવેશચંદ્ર રોયના અપહરણ અને ક્રૂર હત્યાને નિરાશા સાથે જોઈ રહ્યા છીએ. આ હત્યા વચગાળાની સરકાર હેઠળ હિન્દુ લઘુમતીઓ પર વ્યવસ્થિત ઉત્પીડનની પેટર્નને અનુસરે છે, જ્યારે અગાઉની આવી ઘટનાઓના ગુનેગારો ખુલ્લેઆમ ફરતા હોય છે,"
પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, "અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ અને ફરી એકવાર વચગાળાની સરકારને યાદ અપાવીએ છીએ કે તેઓ કોઈપણ બહાના બનાવ્યા વિના કે ભેદભાવ કર્યા વિના હિન્દુઓ સહિત તમામ લઘુમતીઓનું રક્ષણ કરવાની પોતાની જવાબદારી નિભાવે."
બાંગ્લાદેશ પૂજા ઉદ્જાપાન પરિષદના બિરાલ એકમના ઉપપ્રમુખ રોયનું ગુરુવારે સાંજે દિનાજપુર જિલ્લામાં તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસ અને પરિવારના જણાવ્યા અનુસાર, તેમને સાંજે 4:30 વાગ્યાની આસપાસ એક ફોન આવ્યો, જેના પગલે ચાર અજાણ્યા લોકો મોટરસાઇકલ પર આવ્યા અને તેમને બળજબરીથી નારાબારી ગામમાં લઈ ગયા. રોય પર હુમલો કરવામાં આવ્યો હતો જેથી તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હોવાના અહેવાલ હતા. જેથી તેમને દિનાજપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
વિપક્ષી નેતાઓએ પણ પાડોશી દેશમાં બનેલી ઘટનાની નિંદા કરી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, “અન્ય ધાર્મિક લઘુમતીઓ પર પણ હુમલા ચાલુ છે. તાજેતરમાં, બાંગ્લાદેશના મુખ્ય સલાહકારે ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો વિશે ખૂબ જ નિંદનીય અને નિરાશાજનક ટિપ્પણી કરી હતી. બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ પરના અત્યાચાર, માનવ અધિકારોનું ઉલ્લંઘન, 1971ના મુક્તિ યુદ્ધની યાદોને ભૂંસી નાખવાના પ્રયાસો, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને નબળા પાડવાના પ્રયાસો છે. 1971 થી આજ સુધી, ભારત હંમેશા બાંગ્લાદેશના તમામ લોકો માટે શાંતિ અને સમૃદ્ધિની ઇચ્છા રાખે છે. આ ઉપખંડના શ્રેષ્ઠ હિતમાં છે.”