વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતે જશે
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મુલાકાત માટે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 22 અને 23 એપ્રિલના રોજ સાઉદી અરેબિયાની મુલાકાતે જશે. તેમને આ મુલાકાત માટે ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. 2016 અને 2019 પછી વડાપ્રધાન મોદીની સાઉદી અરેબિયાની આ ત્રીજી મુલાકાત હશે. વર્ષ 2023માં, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ નવી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. તેમણે G20 સમિટમાં હાજરી આપી હતી અને ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની પ્રથમ બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી.
ભારત અને સાઉદી અરેબિયા ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોનો આનંદ માણે છે. બંને દેશો વચ્ચે સામાજિક-સાંસ્કૃતિક અને વ્યાપારિક સંપર્કોનો લાંબો ઇતિહાસ છે. વ્યૂહાત્મક ભાગીદારો તરીકે નવી દિલ્હી(ભારત) અને રિયાધ(સાઉદી) રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, વેપાર, રોકાણ, ઊર્જા, ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંપર્કો સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે.
પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત ભારત સાઉદી અરેબિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને કેટલું મહત્ત્વ આપે છે તે દર્શાવે છે. તે બંને દેશો વચ્ચે બહુપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ અને મજબૂત બનાવવાની તક પૂરી પાડશે તેમજ પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે.
વડાપ્રધાન મોદીની આગામી મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાન અને અમેરિકા પરોક્ષ પરમાણુ વાટાઘાટો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તેમની મુલાકાત આવતા મહિને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાઉદી અરેબિયાની મુલાકાત પહેલા થઈ રહી છે. ભારત અને સાઉદી અરેબિયાએ 1947માં રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. 2010માં, દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવામાં આવ્યા હતા.