મહેસાણામાં નાયબ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદીના શાસનમાં થયેલ વિવિધ વિકાસ કામોની કરી ચર્ચા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળતાના 7 વર્ષ પૂર્ણ થવા પર 30 મે ના રોજ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની અધ્યક્ષતામાં મહેસાણા સરકીટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી. મહેસાણાના પદાધિકારીઓ સાથે યોજાયેલ આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં થયેલ વિવિધ વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકારે આ 7 વર્ષના ગાળામાં તમામ વર્ગ, જાતિ, સંપ્રદાય સહિત બાળક અને મહિલાઓને અનેક યોજનાઓ થકી સન્માનિત કરાયા છે. તેમણે ઉમેર્યું હતું કે નરેન્દ્ર મોદીના શાસનમાં રામમંદિર નિર્માણ, 370ની કલમ નાબુદી, કોરોનાની મહામારીમાં નાગરિકોના હિતમાં દઢ્ઢતાપુર્ણ નિર્ણયો સહિતનાં અનેક કાર્યો થયા છે.
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે સરકાર કટિબધ્ધતા અને નાગરિકોની સામાજીક જવાબદારીના પગલે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે પરંતુ નાગરિકો ગાફેલ ન રહેતાં સુચેવલ તમામ માર્ગદર્શિકા, ફરજીયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, સેનીટાઇઝેશનનું પાલન કરે તે જરૂરી છે. આ ઉપરાંત નાગરિકોમાં તેમજ સમાજમાં રસીકરણ સંદર્ભે ફેલાઇ રહેલી ખોટી અફવાઓથી દુર રહી રસીકરણ કરાવે અને આ બાબતે લોકોમાં જાગૃતિ લાવે તે માટે અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે મહેસાણા જિલ્લામાં ૨૭ મે સુધીમાં આરોગ્યની સુખાકારી સુવિધા અને સારવારને પગલે ૨૧,૫૫૩ દર્દીઓ સાજા થયા છે. જિલ્લામાં ટેસ્ટીંગ, ટ્રીટમેન્ટને વધુ વેગવંતુ બનાવી ૪,૧૯,૯૪૪ કોરોના ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવેલ છે. તેમણે ઉમેર્યું હતું કે રસીકરણ બાબતે ગુજરાતે અગ્રીમ હરોળમાં કામ કર્યું છે. રાજ્યમાં પ્રથમ ડોઝમાં ૧,૨૦,૯૫,૬૯૩ અને બીજા ડોઝમાં ૩૯,૯૧,૪૩૩ નાગરિકોને મળી કુલ ૧,૬૦,૮૭,૧૨૬ નાગરિકોનું રસીકરણ કરાયું છે. તેમણે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં રસીકરણ સંદર્ભે જિલ્લાના નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. મહેસાણા જિલ્લામાં પ્રથમ ડોઝમાં ૪,૪૦,૨૮૨ અને બીજા ડોઝમાં ૧,૫૩,૪૦૯ મળી કુલ ૫,૯૩,૬૯૧ નાગરિકોનું રસીકરણ કરાયું છે.
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે જી.એસ.ટી કાઉન્સીલની બેઠકમાં થયેલ ચર્ચા મુજબ કોરોની દવાઓ, સારવારના સાધનો, મેડીકલ ઇક્વીપમેન્ટ સહિત પર જી.એસ.ટી ઘટાડવા માટે સૂચનો થયા હતા જે સૂચનોને ધ્યાને લઇને ગ્રુપ ઓફ મિનિસ્ટરનું ગઠન કરાયું છે. આ ગ્રુપ ઓફ મિનિસ્ટરમાં સભ્યો દ્વારા કોરોના સંબધિત દવાઓ અને સાધનોના જી.એસ.ટી ઘડાટવા માટે આઠ દિવસમાં અહેવાલ અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગ્રુપ ઓફ મિનિસ્ટરની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરાઇ છે.
આ બેઠકમાં મહેસાણા ખાતે ચાલી રહેલ વિકાસના કામોની વિગતે ચર્ચા કરાઇ હતી. જેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી બી.એસ.પટેલ દ્વારા વિકાસ કામોની માહિતી રજૂ કરાઇ હતી. મહેસાણા શહેરમાં નગરપાલિકા દ્વારા કરાઇ રહેલ પ્રિ મોન્સુન કામગીરીની વિગતે ચર્ચા અને સમીક્ષા કરી નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા વિવિધ સુચનો કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં નગરપાલિકા,તાલુકા પંચાયત સહિત પદાધિકારીઓ, સંસ્થાઓ દ્વારા કોરોના સમયમાં કરેલ રાહત સહિત સેવાની કામગીરીની નોંધ લેવાઇ હતી. નાયબ મુખ્યમંત્રીએ આ તમામ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.
મહેસાણા સરકીટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં મહેસાણા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત અગ્રણી જશુભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, નગરપાલિકાના પદાધિકારીઓ, તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને શહેર, તાલુકાના અગ્રણીઓ સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
