યુક્રેનના ખાર્કિવમાં થયેલા ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો
Live TV
-
યુક્રેનના ખાર્કિવમાં થયેલા ગોળીબારમાં આજે સવારે એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. વિદેશ મંત્રાલયે ટ્વીટર પર આ માહિતી આપી છે. કર્ણાટકના સદગત વિદ્યાર્થી નવીન જ્ઞાનગોદરના પરિવારનો સંપર્ક કરીને સંવેદના વ્યક્ત કરી છે. આ ઉપરાંત વિદેશ સચિવે રશિયા અને યુક્રેનના રાજદૂતોને બોલાવીને ભારતીય નાગરિકોની સલામતિ અને સુરક્ષા જાળવવા તથા તાત્કાલિક સલામત માર્ગે નજીકની સરહદે પહોચાડવા માટે જણાવ્યું છે. રશિયા અને યુક્રેનમાં ભારતીય રાજદૂતો દ્વારા પણ આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દરમિયાન, અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે ભારતે, અગાઉથી રશિયા અને યુક્રેનના દૂતાવાસો સાથે સંપર્ક કરીને ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને, ખાર્કીવ અને અન્ય શહેરોમાંથી સલામત માર્ગની આવશ્યકતા પર ભાર મુક્યો હતો. 24મી ફેબ્રુઆરીએ આ સંઘર્ષની શરૂઆતથી જ રશિયા અને યુક્રેન સમક્ષ આ માંગ વારંવાર કરવામાં આવી રહી છે. યુક્રેનની સરહદની નજીક આવેલા રશિયાના શહેર બેલ્ગોરોડમાં ભારતીય ટીમને તહેનાત કરવામાં આવી છે. જો કે, ખાર્કિવ અને તેની આસપાસના શહેરોમાં સંઘર્ષની સ્થિતિ અવરોધરૂપ છે. એવા સ્થાનો જ્યાં જોખમ નથી, ત્યાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં સફળ રહયા છે. સૂત્રોએ કહ્યું કે નવ હજારથી વધુ ભારતીય નાગરિકોને યુક્રેનમાંથી નજીકના દેશોમાં લાવવામાં આવ્યા છે, અને બાકીના સુરક્ષિત વિસ્તારોમાં છે. દરમિયાન, કર્ણાટકના હાવેરીના આ વિદ્યાર્થીના પાર્થિવ દેહને ભારત લાવવા માટે સરકારે જણાવ્યું છે અને વિદેશ મંત્રાલય કાર્યવાહી કરી રહ્યું છે. નવીન જ્ઞાનગોદર નામનો આ વિદ્યાર્થી MBBS ના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
