રક્ષા ખરીદી પર મોટો નિર્ણય, 15,935 કરોડની ખરીદીની દરખાસ્તને મંજૂરી
Live TV
-
પાકિસ્તાન અને ચીન સાથે તણાવની સ્થિતિ તેમજ કાશ્મીરમાં સુરક્ષાદળોના કેમ્પ રપર હુમલાને લીધે સેનાએ લાઈટ વેપન ખરીદવા માટે મોટો નિર્ણય લીધો છે. ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ કાઉન્સિલે કેટલાક હજાર કરોડના નાના હથિયારો ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.
સરહદ પર તૈનાત સૈનિકોને આધુનિક અને અસરકારક હથિયારોથી સજ્જ કરવા માટે કાઉન્સિલે વિતેલા એક મહિનામાં ત્રણ મુખ્ય હથિયારો- રાઈફલ, કાર્બાઇન અને લાઈટ મશિનગનની ખરીદીમાં વેગ લાવવા માટેનો નિર્ણય કર્યો છે. જાન્યુઆરીમાં 72,400 રાઈફલ્સ અને 93,895 કાર્બાઇનની ખરીદીને મંજૂરી આપી છે.રક્ષા મંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ કાઉન્સિલની મંગળવારે બેઠક મળી હતી, જેમાં રૂ. 15,935 કરોડની ખરીદીની દરખાસ્તને મંજૂરી આપી હતી. જે અંતર્ગત ત્રણેય સેનાની જરૂરિયાત મુજબ લાઈટ મશિનગનો ફાસ્ટ ટ્રેક ધોરણે ખરીદવાની દરખાસ્ત પણ સામેલ છે. આ મશિનગનો ખરીદવાનો ખર્ચ અંદાજે રૂ. 1,819 કરોડ થવાનો અંદાજ છે. સરકારમાં ઉચ્ચ સ્તરે ખરીદીનો સોદા નક્કી થવાની સંભાવના છે. આ સોદાને પગલે સૈનિકોની ઓપરેશનલ જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ મળશે. આ ઉપરાંત વધુ લાઈટ મશિનગનો ખરીદવાની દરખાસ્ત અલગથી વિચારાધીન છે. નવી મશિનગનો વર્તમાન ગનની તુલનાએ વજનમાં હળવી રહી શકે છે.કાઉન્સિલે સેનાની ત્રણેય પાંખ માટે 7.4 લાખ એસોલ્ટ રાઈફલ ખરીદીને લીલી ઝંડી આપી છે. આ જથ્થો ફેક્ટ્રી બોર્ડ અને ખાનગી એકમો બન્ને પાસેથી મળીને ખરીદવામાં આવશે. આ રાઈફલની ખરીદી પાછળ અંદાજે રૂ. 12,280 કરોડનો ખર્ચ થઈ શકે છે. કાઉન્સિલે 5,719 સ્નાઈપર રાઈફલની ખરીદીને પણ મંજૂરી આપી છે, જે સેના તેમજ વાયુ દળ માટે હશે. આનો અંદાજીત ખર્ચ રૂ. 983 કરોડ રહેશે. ભારતીય નૌસેનાની સબમરીન વિરોધી ક્ષમતા વધારવા માટે મારીચ સિસ્ટમની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે. રક્ષા સંગઠન ડીઆરડીઓ દ્વારા આ સિસ્ટમન ઘરઆંગણે વિકસાવવામાં આવી છે અને તેનું સફળ પરિક્ષણ પૂર્ણ થઈ ચૂક્યું છે. મારિચ સિસ્ટમને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેંગ્લુરુ રૂ. 850 કરોડના ખર્ચે તૈયાર કરશે.