રાષ્ટ્રપતિએ કર્યું રાજ્યપાલ અને ઉપ-રાજ્યપાલ સંમેલનનું ઉદ્ઘાટન
Live TV
-
નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ રાજ્યોના રાજ્યપાલો તેમજ ઉપરાજ્યપાલોનું બે દિવસીય સંમેલન શરૂ થયું છે. આ 49માં સંમેલનની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી છે. સંમેલનની શરૂઆત રાષ્ટ્રપતિના ઉદઘાટન ભાષણથી થઈ હતી.
રાજ્યપાલ અને ઉપરાજ્યપાલોના સંમેલમાં રાષ્ટ્રપતિએ જાણાવ્યું હતું કે, આ વર્ષના સંમેલનનો એજન્ડા તૈયાર કરવાનો હવો ત્યારે દેશમાં વિકાસની યાત્રામાં પાછળ રહી ગયેલા લોકો માટે અમલમાં મૂકાયેલી યોજનાઓની માહિતી પૂરી પાડવા તેમજ તે અંગે વિસ્તૃત ચર્ચા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. દેશમાં અનુસૂચિત જાતિની 10 કરોડની વસતીનો મોટો ભાગ બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિતમાં આવતા વિસ્તારમાં રહે છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ લોકોના વિકાસમાં સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવો માર્ગદર્શન આપી શકે છે. તેમણે રાજ્યપાલોને વિશ્વ વિદ્યાલયના કુલાધિપતિ તરીકે શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવાની અપીલ કરી હતી. સાથે તેમણે રાજ્યપાલની બંધારણીય ગરિમા જાળવવા પર પણ ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ કોવિંદે સંમેલનમાં પહેલીવાર ભાગ લેનારા મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, ઓડિશાના રાજ્યપાલ પ્રોફેસર ગણેશીલાલ અને મિઝોરમના રાજ્યપાલ શ્રી કે. રાજશેખરનનો પોતાના સ્વાગત ઉદબોધનમાં ખાસ ઉલ્લેખ કર્યો હતો. સંમેલનમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. સંમેલનમાં વિવિધ સત્રો દરમિયાન કાયદો અને વ્યવસ્થા સ્વચ્છ ભારત મિશન, આંતરિક સુરક્ષા, ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને સરકારના પ્રજા કલ્યાણના કામો સહિતના અનેક મહત્વના મુદ્દે ચર્ચા વિચારણા થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સમાપન સમારોહને સંબોધન કરશે.
