રાષ્ટ્રપતિની દીવ મુલાકાતનો આજે છેલ્લો દિવસ
Live TV
-
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છેલ્લા ત્રણ દિવસથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પ્રવાસે હતા. 25 તારીખ, નાતાલના દિવસે દીવની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિનો આજે દીવમાં છેલ્લો દિવસ છે. રવિવારે રાષ્ટ્રપતિએ થોડા સમય પહેલા જ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મેળવેલા દીવના ઘોઘલા બીચની મુલાકાત લીધી હતી. મુલાકાત સમયે રાષ્ટ્રપતિએ બીચ પર જોગિંગ કરીને તેનો વિડીયો સોશિઅલ મીડિયા પર શેર કરીને કહ્યું હતું કે, આવનારા વર્ષ 2021માં દેશવાસીઓને ફિટ અને તંદુરસ્ત રહેવા જણાવ્યું હતું.આ ઉપરાંત તેઓ દીવ કિલ્લાની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે લાઈટ એન્ડ સાઉન્ડ શો નું ઉદ્ઘાટન કર્યુ હતુ. સાથે જ ત્યાં રાષ્ટ્રપતિએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. આ લાઈટ એન્ડ સાઉન્ડ શોથી દીવ ટુરિઝમને નવો વેગ મળશે. આઈએનએસ ખુકરી સ્મારકની મુલાકાત લઈને ત્યાંના ફોટો શેર કરતા રાષ્ટ્રપતિએ ટ્વિટ કર્યું હતું કે, "આઈએનએસ ખુકરી સ્મારકમાં બલિદાન આપનારા મરીન સૈનાનીઓની યાદને સલામ કરવાની તક મળી, જેમણે 1971 ના યુદ્ધમાં દેશ માટે પોતાનો જીવ આપ્યો. આ સ્મારક ભારતીય સૈન્ય દળોની હિંમત, બહાદુરી અને બલિદાન માટે બનાવામાં આવ્યું છે દેશવાસીઓ માટે આદરનું પ્રતીક છે. દેશને હંમેશા તે શહીદોની ફરજ અને બહાદુરીનો ગર્વ રહેશે". આ શિવાય પણ ત્રણ દિવસ દરમિયાન રાષ્ટ્રપતિએ દીવની અનેક જગ્યાઓની મુલાકાત લઇ, નવી યોજનાઓ અને પ્રોજેક્ટ લોકોને અર્પણ કર્યા હતા. આજે રાષ્ટ્રપતિ બપોર પછી દિલ્હી જવા માટે રવાના થશે.
