રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુરુ ઘાસીદાસ વિશ્વવિદ્યાલયના 10મા દીક્ષાંત સમારોહમાં હાજર રહ્યા
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે છત્તીસગઢના બિલાસપુરની ગુરૂ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપી. મુર્મુએ ગઇકાલે છત્તીસગઢના રાયપુરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે રાજયસ્તરીય સકારાત્મક પરિવર્તનનું વર્ષ નામના કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે છત્તીસગઢના રાજયપાલ વિશ્વભૂષણ હરીચંદન અને મુખ્યમંત્રી ભૂપેશ બધેલ ઉપસ્થિત રહ્યા હતા.
ચંદ્રયાન-3 મિશનની તાજેતરની સફળતા વિશે રાષ્ટ્રપતિએ કહ્યું કે તે સફળતા પાછળ માત્ર વર્ષોની મહેનત અને સમર્પણ જ નહીં, પરંતુ અવરોધો અને નિષ્ફળતાઓથી નિરાશ થયા વિના આગળ વધવાની પ્રતિબદ્ધતા પણ છે. તેઓએ ગુરુ ઘાસીદાસ વિશ્વવિદ્યાલયને આ ઐતિહાસિક સિદ્ધિ પર જ્ઞાન વધારતા કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવા આગ્રહ કર્યો. ગુરુ ઘાસીદાસ વિશ્વવિદ્યાલયમાં એક્સિલરેટર આધારિત સંશોધન કેન્દ્રની સ્થાપનાની નોંધ લઈને તેઓએ ખુશી વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ગુરુ ઘાસીદાસે સંદેશ ફેલાવ્યો હતો કે તમામ મનુષ્ય સમાન છે. લગભગ 250 વર્ષ પહેલા તેમણે વંચિત, પછાત અને મહિલાઓની સમાનતાની હિમાયત કરી હતી. રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે ગુરુ ઘાસીદાસ વિશ્વવિદ્યાલયની આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા, સામુદાયિક જીવનમાં સમાનતાની ભાવના અને આદિવાસી સમુદાયની મહિલાઓની ભાગીદારી જેવા જીવન મૂલ્યો શીખી શકે છે.
