રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વિજયવાડા પહોંચશે
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વિજયવાડા પહોંચશે: કનક દુર્ગા મંદિરમાં દર્શન અને 'રાષ્ટ્રીય સરસ મેળો 2026'નું કરશે ઉદ્ઘાટન
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે વિજયવાડા પહોંચી રહ્યા છે. આ વિશેષ પ્રવાસ દરમિયાન તેઓ ધાર્મિક અને લોકકલ્યાણના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં સહભાગી થશે.
વિજયવાડા આગમન બાદ આજે સાંજે રાષ્ટ્રપતિ મુર્મુ ઇન્દ્રકીલાદ્રી પર બિરાજમાન દેવી શ્રી કનક દુર્ગા મંદિરે પહોંચશે અને વિશેષ પ્રાર્થના તથા દર્શન કરશે. પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ વિજયવાડાના પુન્નામી ઘાટ ખાતે રાષ્ટ્રીય સ્તરના 'સરસ આજીવિકા મેળા 2026'નું ભવ્ય ઉદ્ઘાટન કરશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા આ મેળામાં દેશભરના સ્વ-સહાય જૂથોની મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓના 600 થી વધુ સ્ટોલ્સ પ્રદર્શિત કરવામાં આવશે. આ મેળાનો મુખ્ય હેતુ ગ્રામીણ મહિલાઓની હસ્તકળા, હાથશાળ અને પરંપરાગત ઉત્પાદનોને રાષ્ટ્રીય સ્તરે બજાર પૂરું પાડવાનો છે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ આ પ્રવાસ દરમિયાન સ્વ-સહાય જૂથોની મહિલાઓ અને 'લખપતિ દીદીઓ' સાથે પણ વાતચીત કરશે.
રાષ્ટ્રપતિની આ મુલાકાતને લઈને વિજયવાડામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
