રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસની મુલાકાતે કોલકાતા પહોંચ્યા
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે બે દિવસની સત્તાવાર મુલાકાતે કોલકાતા પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સીવી આનંદ બોઝ, રાજ્યના મ્યુનિસિપલ અફેર્સ અને શહેરી વિકાસ પ્રધાન ફરહાદ હકીમ, અગ્નિશમનના રાજ્ય પ્રધાન પ્રભારી સુજીત બોઝ, મુખ્ય સચિવ હરિકૃષ્ણ દ્વિવેદી અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક મનોજ માલવિયાએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ત્રણ ભારતીય સંરક્ષણ દળો અને રાજ્ય પોલીસ દ્વારા એરપોર્ટ પર રાષ્ટ્રપતિને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં શ્રીમતી મુર્મુને હેલિકોપ્ટર દ્વારા શહેરમાં લાવવામાં આવ્યા હતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રીમતી મમતા બેનર્જી અને રાજ્યપાલ ડૉ. સી. વી. આનંદ બોઝે RCTC હેલિપેડ ગ્રાઉન્ડ, કોલકાતા મેદાન ખાતે તેમનું સ્વાગત કર્યું હતું. મહાન ભારતીય સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝને પુષ્પાંજલિ અર્પણ કરવા રાષ્ટ્રપતિએ નેતાજી ભવનની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ મહાન કવિ રવીન્દ્રનાથ ટાગોરના જન્મસ્થળ જોરાસાંકોની પણ મુલાકાત લેશે અને તેમને શ્રદ્ધાંજલિ આપશે. પશ્ચિમ બંગાળ સરકાર શ્રીમતી મુર્મુનું નાગરિક સ્વાગત કરશે. ભારતના રાષ્ટ્રપતિ બન્યા બાદ શ્રીમતી મુર્મુની પશ્ચિમ બંગાળની આ પ્રથમ મુલાકાત છે.