લોકસભામાં વિપક્ષો દ્વારા વિરોધના પગલે લોકસભા અને રાજ્યસભા બપોરના બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવ્યું
Live TV
-
સંસદના બંને ગૃહોને આજે લોકસભાની સુરક્ષા ભંગના મુદ્દા પર વિપક્ષો દ્વારા વિરોધના પગલે બપોરના 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવ્યા છે. આજે સવારે લોકસભામાં ઓમ બિરલાએ સંસદની સુરક્ષા પદ્ધતિને મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા પગલાં પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, સુરક્ષા ભંગના મામલાની તપાસ ચાલી રહી છે અને તે માટે સંસદીય ઉચ્ચસ્તરીય સમિતિની પણ રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સંસદની સુરક્ષા લોકસભા સચિવાલયની છે અને સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી.
સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, આ 17 મી લોકસભાનું છેલ્લું પૂર્ણ સત્ર છે અને ઘણા મહત્વપૂર્ણ કાયદાઓ લાઇનમાં છે. તેમણે વિરોધ કરનારા સભ્યોને ગૃહની કાર્યવાહીની મંજૂરી આપવા વિનંતી કરી. રાજ્યસભામાં આજે સવારે વિપક્ષના સભ્યોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સુરક્ષા ભંગના મુદ્દા અંગે ગૃહમાં નિવેદનની માંગ કરી હતી. જેને અધ્યક્ષ જગદીપ ધનખડ દ્વારા મંજૂરી ના અપાઈ ત્યારબાદ બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવ્યું. કોંગ્રેસ ડાબેરી ડીએમકે, એસપી, ટીએમસી, બીએસપી અને અન્ય પક્ષોના સભ્યોએ ચેરમેનના આ નિર્ણય સામે અસંતોષ જાહેર કર્યો હતો. વિપક્ષના કેટલાક સભ્યો સામૂહિક રીતે વહેલમાં ધસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. ઘોંઘાટભર્યા દ્રશ્યો ચાલુ રહેતાં ચેરમેને સભાગૃહને આખા દિવસ માટે મુલતવી રાખ્યું હતું.