પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં આશરે 20 હજાર કરોડ રૂપિયાની 37 વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના વારાણસીમાં આશરે 20 હજાર કરોડ રૂપિયાની 37 વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું. તેઓ પોતાના સંસદીય ક્ષેત્રની બે દિવસીય મુલાકાતે છે. પ્રધાનમંત્રીએ આજે સવારે વારાણસીના ઉમરાહામાં નવનિર્મિત સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે મહામંદિરના ભક્તોને પણ સંબોધિત કર્યા હતા.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પણ થોડા અઠવાડિયામાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આઝાદીના દાયકાઓ પછી દેશના આધ્યાત્મિક સ્થળો હવે આર્થિક વિકાસમાં નવા રેકોર્ડ સર્જવાની સાથે વિકાસના સાક્ષી બની રહ્યા છે. મહામંદિરના ભક્તોને સંબોધતા મોદીએ લોકોને તેમના જીવનમાં નવ સંકલ્પો લેવા આહવાહન કર્યું છે. જેમાં જળ સંરક્ષણ, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, દેશના વિવિધ સ્થળોની મુલાકાત, પ્રાકૃતિક ખેતી, મિલેટ્સ, યોગ અને ઓછામાં ઓછા એક ગરીબ પરિવારને મદદ કરવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ તેમના મત વિસ્તારના ગ્રામીણ વિસ્તાર સેવાપુરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો. તેઓ કાશી સંસદ ખેલ સ્પર્ધા- 2023 ના સહભાગીઓ દ્વારા કેટલીક જીવંત રમતગમતની ઘટનાઓ પણ જોશે. બાદમાં તેઓ વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.
પ્રધાનમંત્રી લગભગ 10 હજાર 900 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર-નવા ભાઈપુર ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. બલિયા-ગાઝીપુર સિટી રેલ લાઇન ડબલિંગ પ્રોજેક્ટ અને ઇન્દારા-દોહરીઘાટ રેલ લાઇન ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ જેવા અન્ય રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પ્રધાનમંત્રી વારાણસી-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, દોહરીઘાટ-મૌ મેમુ ટ્રેન અને નવા ઉદ્ઘાટન કરાયેલ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ખાતે લાંબા અંતરની માલસામાન ટ્રેનની જોડીને લીલી ઝંડી બતાવશે. તેઓ બનારસ લોકોમોટિવ વર્કસ દ્વારા બનાવેલા 10 હજારમા લોકોમોટિવને પણ ફ્લેગ ઓફ કરશે. સ્માર્ટ સિટી મિશન હેઠળ, પ્રવાસીઓની વિગતવાર માહિતી માટેની વેબસાઇટ અને એકીકૃત પ્રવાસી પાસ સિસ્ટમ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવશે. એકીકૃત પાસ શ્રી કાશી વિશ્વનાથ ધામ, ગંગા ક્રૂઝ અને સારનાથના લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે સિંગલ પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ પ્રદાન કરશે અને સંકલિત QR કોડ સેવાઓ પ્રદાન કરશે.