વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસના ભાગરુપ ચીન પહોંચ્યા
Live TV
-
ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મહત્ત્વની દ્વિપક્ષીય મંત્રણા કરશે. ડોકલામ સહિતના મુદ્દે બન્ને દેશોની સરહદે અવારનવાર તનાવ સર્જાતો રહે છે ત્યારે વડાપ્રધાનનો ચીન પ્રવાસ આ દિશામાં નિર્ણાયક માનવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બે દિવસીય પ્રવાસના ભાગરુપ ચીન પહોંચ્યા હતા. ચીનના વુહાન શહેરના એરપોર્ટ પર ચીનના વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વુહાન શહેરમાં યાંગત્સે નદીના કાંઠે મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત યોજાઈ રહી છે. અગાઉ ચીનના પ્રમુખ જિનપિંગે અમદાવાદના પ્રવાસ દરમ્યાન સાબરમતી નદીના કાંઠે વડાપ્રધાન મોદી સાથે મંત્રણા કરી હતી.ચીન પ્રવાસના પ્રસ્થાન પહેલા પ્રધાનમંત્રીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, “હું પીપલ્સ રિપ્લિક ઑફ ચાઈનાના પ્રમુખ મહામહિમ શી જિનપિંગ સાથે એક અનૌપચારિક સંમેલન માટે 27-28 એપ્રિલ દરમિયાન ચીનના વુહાનની યાત્રા કરીશ. પ્રમુખ શી અને હું દ્વિપક્ષીય અને વૈશ્વિકસ્તરના મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરીશું. અમે રાષ્ટ્રીય વિકાસ માટે ખાસ કરીને વર્તમાન અને ભવિષ્યની આંતરરાષ્ટ્રીય સ્થિતિના સંદર્ભમાં અમારા સંબંધિત દ્રષ્ટિકોણ અને પ્રાથમિકતાઓ પર ચર્ચા કરીશું. અમે વ્યૂહાત્મક અને દીર્ઘકાલિન દ્રષ્ટિકોણથી ભારત-ચીનના સંબંધોના વિકાસની પણ સમીક્ષા કરીશું.”
