વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ને અનુલક્ષીને બેંગલુરુમાં યોજાયો રોડ-શો
Live TV
-
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2022ને અનુલક્ષીને બેંગલુરુમાં યોજાયેલા રોડ-શોમાં ગુજરાતનાં શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી ખાતાના પ્રધાન જીતુ વાઘાણીના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સત્તાધારી ટીમે ગુજરાતમાં મૂડીરોકાણની તકો વિશે કર્ણાટકના ટોચના ઉદ્યોગપતિઓને જાણકારી આપી હતી. આજના રોડ-શોમાં કર્ણાટકના 200 જેટલા ઔદ્યોગિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલા આ રોડ-શોમાં ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા સહિત અન્ય અધિકારીઓએ હાજરી આપી હતી.
ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાતા બેંગલુરુમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓને સંબોધતા મંત્રીએ કહ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે કેટલીક નીતિઓ અને યોજનાઓ શરૂ કરી છે જેમાં ઔદ્યોગિક નીતિ 2020, ઈન્ટીગ્રેટેડ લોજિસ્ટિક્સ અને લોજિસ્ટિક્સ પાર્ક નીતિ, ઈલેક્ટ્રિક વાહન નીતિ, સૂર્ય ઊર્જા નીતિ તથા પ્રવાસન અને કાપડ નીતિ, 2021નો સમાવેશ થાય છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત તેની સ્ટાર્ટઅપ ઈનોવેશન નીતિ તથા આઈટી અને આઈટીઇએસ નીતિમાં પણ સુધારો કરી રહ્યું છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2021 માં ગુજરાતે 21.9 બિલિયન ડૉલર (રૂપિયા 1.63 લાખ કરોડ)ના સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ) મેળવ્યા છે, જે આ ગાળામાં ભારતમાં આવેલા કુલ એફડીઆઈના 37 ટકા થાય છે. રોડ-શોના પ્રારંભે ગુજરાત સરકારના સંરક્ષણ સલાહકાર એર માર્શલ આર.કે. ધીરે ગુજરાતની પ્રગતિ તથા વિવિધ ક્ષેત્રમાં મૂડીરોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
ગુજરાતના પ્રતિનિધિમંડળે ઔદ્યોગિક તથા અન્ય અગ્રણીઓ સાથે વ્યક્તિગત બેઠક પણ યોજી હતી જેમાં મુખ્યત્વે ડેઇસી ચિતિલાપલ્લી (પ્રમુખ, ઈન્ડિયા એન્ડ સાર્ક ઑપરેશન્સ, CISCO), આલોક ઓહરી (પ્રમુખ અને એમડી, ડેલ ટેકનોલોજીસ, ઈન્ડિયા), રાકેશ મોહન અગરવાલ (ચેરમેન અને એમડી, આઈટીઆઈ લિ.), તથા ડૉ. કે. સિવાન (ચેરમેન, ઈસરો)નો સમાવેશ થાય છે. બેંગલુરુ રોડ-શોની આ સફળતાને કારણે ભારતની સિલિકોન વેલીના પાર્ટિસિપેશન VGGS 2022માં એક નવો લક્ષ્યાંક હાંસલ થશે તેવી અપેક્ષા છે.
