વારાણસીમાં પ્રધાનમંત્રીએ ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વારાણસીમાં બાબા વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન પછી તેમની વ્યસ્તતાઓ ચાલુ રાખી હતી જ્યાં તેમણે પૂજા પણ કરી હતી અને ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી. બાદમાં સાંજે પ્રધાનમંત્રીએ સોમવારે ગંગા આરતીમાં હાજરી આપી હતી. ગંગા આરતી પર પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું કે, કાશીની ગંગા આરતી હંમેશા આંતરિક આત્માને નવી ઉર્જાથી ભરી દે છે. આજે કાશીનું મોટું સપનું પૂરું કરીને દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં હાજરી આપી અને માં ગંગાને નમન કર્યા. નમામિ ગંગે તવ પદ પંકજમ્. બાદમાં પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી.
પ્રધાનમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ ઉપસ્થિત છે. સાથે જ અરુણાચલ પ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણિપુર, ત્રિપુરા તથા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ હાજર છે. આ ઉપરાંત બિહાર અને નાગાલેન્ડના ઉપમુખ્યમંત્રી પણ હાજર રહ્યા છે. સુશાસન સાથે જોડાયેલ વ્યાપક વિષયો પર બેઠકમાં વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે. મહત્વનુ છે કે, આ સંમેલન ભાજપ શાસિત રાજ્યોને એકબીજા પાસેથી શીખવાની તક આપશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશીના સર્વવેદ મંદિરમાં સદગુરુ સદાફલદેવ વિહંગમ યોગ સંસ્થાનના 58માં વર્ષગાંઠ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. આ અવસર પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદી પટેલ, કેન્દ્રીયમંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંઘ પણ હાજર રહેશે. અહીં પ્રધાનમંત્રી મોદી સર્વવેદ મંદિરમાં ભ્રમણ કર્યા બાદ વિહંગમ યોગના અનુયાયીઓને સંબોધન કરશે.
