સરકારે 'મિશન ઈન્દ્રધનુષ' હેઠળ 9થી14 વર્ષની દરેક દીકરીને સર્વાઈકલ કેન્સરની રસીના ડોઝ નિ:શુલ્ક આપવાની જાહેરાત કરી
Live TV
-
આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે સર્વાઈકલ કેન્સર અને તેના રસીકરણ વિશે માહિતી
સરકારે નાગરિકો માટે સ્વસ્થ જીવનશૈલી, રોગ વિશે જાગૃતિ અને રસીકરણ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ ઝુંબેશ અને પહેલ શરૂ કરી છે. સરકારે 'મિશન ઈન્દ્રધનુષ' હેઠળ ભારતની 9 વર્ષથી 14 વર્ષની વયની દરેક દીકરીને સર્વાઈકલ કેન્સરની રસીના ડોઝ નિ:શુલ્ક આપવાની જાહેરાત કરી છે. તેમજ સર્વાઈકલ કેન્સરને રોકવા માટે દેશભરમાં વેક્સીનેશન ડ્રાઈવ ચલાવશે. આ રસી સર્વાઇકલ (ગર્ભાશયના મુખ) કેન્સરથી રક્ષણ આપે છે.
બોટાદ તાલુકાના કાનિયાડ ગામ ખાતે આયુષ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. સેજલ ભુત જણાવે છે કે, “એક ડોક્ટર તરીકે તો ખરૂં જ પરંતુ એક સ્ત્રી તરીકે પણ તમામ મહિલાઓને અનુરોધ કરવા માંગું છું કે, આપણે આપણું ધ્યાન રાખવું ખૂબ જ અનિવાર્ય છે, દિવસને દિવસે ગર્ભાશયને લગતા કેન્સર વધી રહ્યા છે. મહિલાઓને ગુપ્તાંગને લગતી તકલીફો હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધી પ્રાથમિક સારવાર કરી આગળની સારવાર લેવી ખૂબ જરૂરી છે. હવે તો સર્વાઈકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સરનું રસીકરણ પણ ઉપલબ્ધ છે. આપણે સૌએ રસીકરણ કરાવવું જોઈએ તેમજ સમાજની અન્ય કિશોરીઓ, મહિલાઓને પણ જાગૃત કરવી જોઈએ.” ડો. સેજલે વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, “બહેનો પોતાના પોષણનું ખાસ ધ્યાન રાખે, લોહીના ટકા વધારવા માટે લીલા શાકભાજી, બીટનો ઉપયોગ કરવો, ફિંડલાનો જ્યૂસ, કેલ્શિયમ વધારવા દૂધ અને દૂધની બનાવટો વધુ પ્રમાણમાં આરોગવી જોઈએ. તેમજ ફળોનું પણ નિયમિત સેવન કરવું જોઈએ. તેમજ આપણે આપણી શારીરિક સ્વચ્છતાનું ધ્યાન રાખવું પણ ખૂબ જ અનિવાર્ય છે.” સર્વાઈકલ કેન્સર વિશે જરૂરી માહિતી કેન્સર એ શરીરના કોઈપણ ભાગમાં કોષોનો અનિયંત્રિત વૃદ્ધિ છે. સર્વિક્સના વિસ્તારમાં જ્યારે આ કોષો વધવા લાગે છે ત્યારે સર્વાઇકલ રોગ શરૂ થાય છે. સર્વિક્સ વિસ્તાર એટલે ગર્ભાશયનો ઉપરનો ભાગ. આ શરીરનો એ ભાગ છે, જે વજાઇનલને ગર્ભાશય સાથે જોડે છે. સર્વાઇકલ કેન્સર HPV (હ્યુમન પેપિલોમાવાઇરસ) નામના વાઇરસથી થાય છે.
આ વાઇરસ જાતીય સંસર્ગ દ્વારા ફેલાય છે અને કેન્સરનું કારણ બની શકે છે. આ વાઇરસ શરીરમાં પ્રવેશવાથી લઈને કેન્સર થવામાં ઘણો સમય લે છે. દરેક વ્યક્તિ તેમના જીવનના અમુક સમયે HPV વાઇરસના સંપર્કમાં આવે છે, પરંતુ આપણું શરીર એની સાથે લડે છે અને એને ખતમ કરે છે. જો કોઈ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો આ વાઇરસ સર્વિક્સ વિસ્તારના કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે. આ પાછળથી સર્વાઇકલ કેન્સર બની જાય છે. સર્વાઇકલ કેન્સરની તપાસ સર્વાઇકલ કેન્સરની તપાસ માટે એક ટેસ્ટ છે, જેને પેપસ્મિયર ટેસ્ટ કહેવામાં આવે છે. આ ટેસ્ટ દેશની તમામ નાની-મોટી હૉસ્પિટલોમાં સરળતાથી ઉપલબ્ધ છે. પેપસ્મિયર ટેસ્ટમાં સર્વિક્સ એરિયામાંથી કોષો લેવામાં આવે છે અને એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને એ જોવામાં આવે છે કે એમાં કોઈ અસામાન્ય વૃદ્ધિ છે કે નહીં. 30 વર્ષ પછીની મહિલાઓએ નિયમિતપણે પેપસ્મિયર સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવો જોઈએ. સર્વાઇકલ કેન્સરનું સમયસર નિદાન જરૂરી છે. સર્વાઈકલ કેન્સરથી બચવા રસીકરણ જરૂરી આ કેન્સર વાઇરસ દ્વારા ફેલાય છે, અન્ય વાઇરસજન્ય રોગોની જેમ એને પણ રસી દ્વારા અટકાવી શકાય છે. જેમ તબીબી વિજ્ઞાને પોલિયો, ઓરી અથવા કોવિડ જેવા વાઇરસથી સંક્રમિત રોગો સામે રોગપ્રતિકારક શક્તિ ઊભી કરતી રસીઓ બનાવી છે, એવી જ રીતે સર્વાઇકલ કેન્સર સામે લડવામાં પણ રસીકરણ ખૂબ જ ઉપયોગી છે.
આ રસી શરીરમાં HPV વાઇરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે. એચપીવી રસીની ભલામણ સામાન્ય રીતે 11 થી 12 વર્ષની વયના બાળકો માટે કરવામાં આવે છે, પરંતુ 45 વર્ષ સુધીની વ્યક્તિઓને આપી શકાય છે. રસીકરણના કારણે વાઇરસના સંપર્કમાં આવ્યા પછી પણ એ કેન્સરમાં પરિવર્તિત થતું નથી. શરીરમાં કોઈપણ બિમારી હોય ત્યારે શરીર હંમેશા તેના સંકેતો આપે છે. આપણે તેને યોગ્ય સમયે ઓળખી નિદાનાત્મક પગલા લઈએ તે ખૂબ જરૂરી છે. જો તમારૂં શરીર સામાન્ય કરતા અલગ વર્તે તો તમારે તુરંત ડોક્ટરનો સંપર્ક સાધી યોગ્ય સારવાર લેવી જોઈએ.
