સુપ્રીમ કોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની વચગાળાની જામીન અરજી ફગાવી
Live TV
-
સુપ્રીમ કોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. જો કે, જસ્ટિસ દીપાંકર દત્તાની આગેવાની હેઠળની વેકેશન બેન્ચે જણાવ્યું હતું કે હેમંત સોરેને ટ્રાયલ કોર્ટ દ્વારા કેસની સંજ્ઞાન લેતા હકીકતને જાહેર કરી નથી.
આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોરેનના વકીલ કપિલ સિબ્બલને પૂછ્યું કે તમને ક્યારે ખબર પડી કે ટ્રાયલ કોર્ટે સંજ્ઞાન લીધું છે. આ અંગે સિબ્બલે કહ્યું કે સોરેન કસ્ટડીમાં હતો ત્યારે 4 એપ્રિલે સંજ્ઞાન લેવામાં આવ્યું હતું. કોર્ટે અરજી ફગાવી દીધી હતી. આ પછી સિબ્બલે અરજી પાછી ખેંચવાની પરવાનગી માંગી, જેને કોર્ટે સ્વીકારી લીધી.
EDએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલ કાઉન્ટર એફિડેવિટમાં સોરેનની વચગાળાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. EDએ જણાવ્યું હતું કે, હેમંત સોરેન ગેરકાયદેસર સંપાદન અને મિલકતોના કબજામાં સામેલ છે. મની લોન્ડરિંગ એક્ટની કલમ 50 હેઠળ નોંધાયેલા નિવેદનો દર્શાવે છે કે, રાંચીના બરિયાતુમાં 8.86 એકર જમીન હેમંત સોરેનના કબજામાં છે અને તેનો હેમંત સોરેન દ્વારા ગુપ્ત રીતે ઉપયોગ કરવામાં આવતો હતો. EDએ કહ્યું હતું કે, ચૂંટણી પ્રચાર ન તો બંધારણીય અધિકાર છે કે ન તો મૂળભૂત અધિકાર. EDએ આશંકા વ્યક્ત કરી હતી કે, જો હેમંત સોરેનને મુક્ત કરવામાં આવશે તો તે તપાસને પ્રભાવિત કરી શકે છે.
સુનાવણી દરમિયાન સોરેન તરફથી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, જમીન કૌભાંડનો આરોપ છે. આ માટે કેટલાક લોકોના નિવેદનોને આધાર બનાવવામાં આવ્યા છે જ્યારે સોરેનનો જમીન સાથે કોઈ સંબંધ નથી અને ન તો તે ક્યારેય તેના કબજામાં હતો. સિબ્બલે ઝારખંડમાં મતદાનને ધ્યાનમાં રાખીને સોરેનને વચગાળાના જામીનની માંગણી કરી હતી.
નોંધનીય છે કે, સોરેનની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે 13 મેના રોજ EDને નોટિસ પાઠવી હતી. EDએ હેમંત સોરેનની પૂછપરછ કર્યા બાદ 31 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. જમીન કૌભાંડ કેસમાં સોરેનની ધરપકડ કરવામાં આવી હતી.