સેરેબ્રલ પાલ્સી રોગથી પીડિત હેત્વીને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વડોદરાની હેત્વી ખીમસુરીયાને નવી દિલ્હી ખાતે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરતા બાળકોની વિશિષ્ટ ઉપલબ્ધિઓને આ પુરસ્કાર થકી બિરદાવવામાં આવે છે. હેતવીએ સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર રોગના કારણે શારીરિક-માનસિક અક્ષમતા હોવા છતાં આત્મવિશ્વાસ થકી ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને પઝલ સોલ્વિંગમાં મહારથ મેળવી છે. આ ઉપરાંત, પોતાને મળતા માસિક વિકલાંગતા પેન્શનનું મનોદિવ્યાંગ બાળકો માટે દાન કરે છે તેમજ ‘સ્પેશિયલ ચાઇલ્ડ એજ્યુકેશન એક્ટિવિટી હેતવી ખીમસૂરીયા’ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. અક્ષમતાને સક્ષમતા બનાવી રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર આ દીકરી પર વડોદરા સહિત ગુજરાતને ગર્વ છે.
ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ 2023માં કલાના ક્ષેત્રમાં મહતમ પ્રમાણપત્રો મેળવ્યા બાદ બ્રેવો ઈન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ 2023માં "વિશ્વની પ્રથમ અસાધારણ કૌશલ્યો ધરાવનાર સી. પી ગર્લ"( ફ્રી હેંડ પેઇન્ટિંગ, ક્રાફટ અને પઝલ સામન્ય જ્ઞાન જાણકાર ) તરીકે નામ અંકિત કર્યું હતું. લંડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ 2023માં 100 શૈક્ષિણક પઝલ ઉકેલનાર વિશ્વની પ્રથમ સી. પી ગર્લ તરીકે, વડોદરા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ દિવ્યાંગ દીકરી તરીકે "પ્રશસ્તિ પત્ર" મેળનાર પ્રથમ મનોદિવ્યાંગે ગુજરાતનાં આરોગ્ય મંત્રીનાં હસ્તે સન્માન મેળવ્યું હતું. 75 ટકા દિવ્યાંગતા હોવા છતાં 110 જેટલાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે.
હેત્વી પોતાની એક યુ-ટ્યુબ ચેનલની માલિકી ધરાવે છે:-"Special Child Education Activity Hetvi Khimsuriya" નામની ચેનલમાં કલાના વીડિયો અપલોડ કરીને ગુજરાતની 30 જેટલી શાળાઓમાં તેનાં વીડિયો બતાવીને બાળકોને કલા તરફ વળ્યા છે. ભારતની 50 જેટલી આર્ટ ગેલેરીમાં તેનાં ચિત્ર, ક્રાફટ પ્રદર્શન કરી ચૂકી છે.
