હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની યોજાશે ચૂંટણી, સાંજે BJP યોજશે CECની બેઠક
Live TV
-
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીને અંગે આજે સાંજે BJP હેડક્વાર્ટરમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાશે. આ બેઠકમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોનાં નામોને મંજૂરી આપવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં હાજર રહેશે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, મનોહર લાલ CECની બેઠકમાં હાજર રહેશે. આ બેઠક બાદ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીને અંગે ગુરુવારે સવારથી દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. હરિયાણાના તમામ અગ્રણી નેતાઓને મળવાની પ્રક્રિયા પણ ચાલી રહે છે. CECની બેઠકમાં હરિયાણા વિધાનસભાની 90 બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
આ પહેલાં રવિવારે મળેલી CECની બેઠકમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. આ બેઠક બાદ ભાજપે 3 તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે 45 ઉમેદવારોની જાહેરાત કરી હતી. સાંજે મળનારી આ બેઠકમાં બાકીના ઉમેદવારોના નામ પણ નક્કી થઈ શકે છે.