હું ભારત આવવા માટે અત્યંત આતુર હતો, મારું મન તમારી સાથે જ જોડાયેલું હતું: પ્રધાનમંત્રી મોદી
Live TV
-
ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ ગયું છે. મહત્વનું છે કે 23મી ઓગસ્ટે ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારે દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની યાત્રા પતાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા આજે સવારે બેંગ્લુરુ ખાતે આવેલા ISROના સ્પેસ કમાન્ડ સેન્ટર પર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા અને આ દરમિયાન પ્રધાનમંત્રી ભાવુક પણ થયા હતા. પ્રધાનમંત્રીએ ઈસરોના કમાન્ડ સેન્ટર ખાતે સંબોધન દરમિયાન 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે એ જાહેરાત પણ કરી હતી કે જે સ્થળે ચંદ્રયાન-2 ઉતર્યુ હતું તેને "તિરંગા પોઈન્ટ" અને જ્યાં ચંદ્રયાન-3 ઉતર્યું છે તે સ્થાનને શિવશક્તિના નામે ઓળખાશે.
વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ થયું હતું ત્યારથી જ હું ભારત આવવા માટે આતુર હતો. તેમણે કહ્યું કે આજે અહીં આવીને હું અલગ પ્રકારની ખુશી અનુભવી રહ્યો છું. આવી ખુશી ભાગ્યે જ કોઈ વસ્તુ માટે થતી હોય છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું સાઉથ આફ્રિકા હતો ત્યારબાદ ગ્રીસમાં કાર્યક્રમ હતો પરંતુ મારું મન સંપૂર્ણપણે તમારી સાથે જ જોડયેલું હતું. મને ક્યારેક એવું લાગતું કે તમારા લોકો સાથે હું અન્યાય કરી રહ્યો છું. આતુરતા મારી અને મુસીબત તમારી. કેમકે વહેલી સવારના સમયે તમે હેરાન થયા પરંતું મારે તમને લોકોને નમન કરવું હતું. તમારા દર્શન કરવાની એટલી ઉતાવળ હતી કે મેં ના સમય જોયો ના સ્થિતિ. પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકોને સેલ્યુટ કર્યું. કહ્યું સેલ્યુટ તમારા પરિશ્રમને, સેલ્યુટ તમારા ધૈર્યને, સેલ્યુટ તમારી કામ કરવાની લગનને, સેલ્યુટ તમારી જીવંતતાને અને સેલ્યુટ તમારા આત્મવિશ્વાસને. તમે દેશને જે ઉંચાઈ પર લઈ ગયા છો તે સામાન્ય નથી. આ અનંત અંતરિક્ષમાં ભારતના વૈજ્ઞાનિક સામર્થ્યનો શંખનાદ છે
તેમણે ચંદ્રયાન-3ના લેન્ડ પોઈન્ટને 'શિવશક્તિ' નામ આપવાનું કારણ જણાવ્યું હતું કે શિવમાં માનવકલ્યાણનો સંકલ્પ સમાયેલો છે અને શક્તિ અમારી નારી શક્તિ છે. નિર્માણથી પ્રલય સુધી સમગ્ર સૃષ્ટિનો આધાર નારી શક્તિ જ છે. ચંદ્રયાન-3 માં દેશની મહિલા વૈજ્ઞાનિકોએ મોટી ભૂમિકા નિભાવી છે. તેમણે સુશાસન સુનિશ્ચિત કરે અને સમસ્યાઓના ઉકેલો શોધી શકે તેવી રાષ્ટ્રીય હેકાથોનનું આયોજન કરવા કેન્દ્ર, રાજ્ય સરકારો અને યુનિવર્સિટીઓને સૂચન કર્યું હતું. તેમણે MyGov પોર્ટલ દ્વારા ચંદ્રયાન 3 પર રાષ્ટ્રીય ક્વિઝ કાર્યક્રમની પણ જાહેરાત કરી હતી. બેંગલુરુમાં ISRO કમાન્ડ સેન્ટર ખાતે સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ ચંદ્રયાન-3ની સફળતાને એક ઐતિહાસિક પ્રસંગ તરીકે વર્ણવતા આ ઘટના ભારતના ઇતિહાસમાં પ્રેરણા અને ગૌરવની ભાવના જગાડશે તેમ જણાવ્યુ હતું. આ સિદ્ધિ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટે આત્મવિશ્વાસના એક મોટા વૃક્ષ તરીકે ઉગી નીકળશે તેમ કહ્યું હતું.
