હોર્મુઝ જળમાર્ગના તણાવ વચ્ચે ભારત માટે રાહત: LPGથી ભરેલું ‘જગ વિક્રમ’ જહાજ આજે કંડલા બંદરે પહોંચશે
Live TV
-
હોર્મુઝ જળમાર્ગના તણાવ વચ્ચે ભારત માટે રાહત: LPGથી ભરેલું ‘જગ વિક્રમ’ જહાજ આજે કંડલા બંદરે પહોંચશે
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા તણાવને કારણે વૈશ્વિક શિપિંગ માર્ગો પર જોખમ વધી રહ્યું છે, ત્યારે ભારત માટે સુરક્ષા અને ઊર્જા પુરવઠાની દ્રષ્ટિએ સારા સમાચાર આવ્યા છે. ભારતીય ધ્વજ ધરાવતું અને LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) થી લદાયેલું જહાજ ‘જગ વિક્રમ’ હોર્મુઝની સામુદ્રધુનીનો જોખમી માર્ગ સુરક્ષિત રીતે પાર કરીને આજે ગુજરાતના કંડલા બંદરે પહોંચશે.
20 હજાર ટનથી વધુ ગેસનો જથ્થો
આ વિશાળ જહાજમાં 20,400 ટન LPG ભરેલો છે. ભારતની ઘરેલું ઇંધણની જરૂરિયાતો માટે આ જથ્થો અત્યંત મહત્વનો માનવામાં આવે છે. જહાજ પર કુલ 24 ભારતીય નાવિકો સવાર છે, જેઓ સુરક્ષિત રીતે ભારતની જળસીમામાં પ્રવેશી ચૂક્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જગ વિક્રમે 11 એપ્રિલના રોજ હોર્મુઝની સામુદ્રધુની પાર કરી હતી.
ભારત સરકારની સતત નજર
ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે હોર્મુઝ જળમાર્ગમાં વ્યાપારી જહાજો પર હુમલા કે જપ્તીનું જોખમ સતત રહેતું હોય છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા વહાણવટા અને શિપિંગ મંત્રાલય દ્વારા આ માર્ગ પરથી પસાર થતા તમામ ભારતીય જહાજોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતીય નૌકાદળ અને સંબંધિત એજન્સીઓ પણ આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય હિતોના રક્ષણ માટે સતર્ક છે.
