18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થશે , PM મોદી અને નવા સાંસદો શપથ લેશે
Live TV
-
18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી 3 જુલાઈ, 2024 દરમિયાન યોજાશે. આ સત્રમાં લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવવામાં આવશે. આ ઉપરાંત અધ્યક્ષની ચૂંટણી, ભારતના માનનીય રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા થશે.
આજથી એટલે કે 24મી જૂનથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થવાનું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રથમ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકરને સવારે 9.30 કલાકે શપથ લેવડાવશે. દેશમાં નવી સરકાર બન્યા બાદ આ પ્રથમ સત્ર યોજાવાનું છે, જોકે ઓમ બિરલા સત્રની શરૂઆત પહેલા સુધી લોકસભાના અધ્યક્ષ પદ પર રહેશે, પરંતુ સત્ર શરૂ થતાંની સાથે જ પૂર્વ અધ્યક્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ જાય છે.
સત્રની શરૂઆતમાં પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે. સૌથી પહેલા પ્રધાનમંત્રી શપથ લે છે, ત્યારબાદ કેબિનેટ મંત્રીઓ અને પછી બાકીના સાંસદો શપથ લેશે. પ્રોટેમ સ્પીકરને પ્રિસાઇડિંગ ઓફિસર પણ કહી શકાય. આ પદ માત્ર બે દિવસ માટે છે. પ્રોટેમ સ્પીકરની મદદ માટે એટલે કે તેમની થોડા સમય માટેની ગેરહાજરી દરમિયાન તેમની ખુરશી પર બેસી ગૃહનું કાર્ય ચલાવવા માટે પાંચ પ્રિસાઇડિંગ ઓફિસરોનું નામ ચર્ચાઈ રહ્યું છે, જેમાં કે.સુરેશ, સુદીપ બંદોપાધ્યા, ટી.આર.બાલુ, રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તેનો સમાવેશ થાય છે.
બંધારણમાં પ્રોટેમ સ્પીકરનો ઉલ્લેખ નથી, પરંતુ સંસદીય બાબતોના મંત્રાલયની હેન્ડ બુકમાં તેનો ઉલ્લેખ છે. પ્રોટેમ સ્પીકરની કામગીરી સાંસદોને શપથ અપાવવા ઉપરાંત અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષની ચૂંટણીમાં પણ તેમની ભૂમિકા હોય છે. પરંપરા મુજબ પ્રોટેમ સ્પીકર તરીકે સૌથી વરિષ્ઠ સાંસદની પસંદગી થાય છે, પરંતુ આ માટે કોઈ લેખિત કે નિશ્ચિત નિયમ નથી.
નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26મી જૂને યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. તે આગામી પાંચ વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા રજૂ કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિના અભિભાષણ પર બંને ગૃહોમાં અને સંભવતઃ બે જુલાઈએ રાજ્યસભામાં અને ત્રણ જુલાઈએ લોકસભામાં ચર્ચા થશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપશે. સંસદનું સત્ર ત્રણ જુલાઈ સુધી ચાલશે.
